હૈદરાબાદના ગોશામહલ વિસ્તારમાં શુક્રવારે એક ગટર પર બનેલો રસ્તો અચાનક ધરાશાયી થવાને કારણે મોટો અકસ્માત થયો હતો. આંખના પલકારામાં, આખું બજાર એક મોટા ખાડામાં ડૂબી ગયું.
આ વિશાળ ખાડામાં શાકભાજી વિક્રેતાઓની દુકાનો સાથે લોકોની ગાડીઓ આવી ગઈ હતી. આ ઘટના અંગે ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.
નોંધપાત્ર વાત એ છે કે, બપોરે બે વાગ્યાની આસપાસ ગોશામહેલમાં નાળા પર બનેલો રસ્તો ધરાશાયી થયો હતો. તેના પર આવેલી દુકાનો અને પાર્ક કરેલી કાર ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી.
આ સાથે એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ બનાવથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ અને જીએચએમસીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
જણાવી દઈએ કે આ રોડ ગટર ઉપર બનાવવામાં આવ્યો હતો. જે સમયે આ અકસ્માત થયો તે સમયે રોડ પર બજાર ધમધમી રહ્યું હતું. અહીં મોટી સંખ્યામાં લોકો શાકભાજી ખરીદવા આવે છે.
અહીં શાકભાજી વિક્રેતા લારી લઇને શાકભાજી વેચવા આવતા હતા. રોડ અચાનક ધરાશાયી થવાના કારણે ગાડીઓ સાથે લોકો પણ ખાડામાં પડી ગયા હતા. જેમને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
માહિતી આપતાં ધારાસભ્ય રાજા સિંહે જણાવ્યું કે, આ પુલનું નિર્માણ 2009માં કોંગ્રેસના શાસન દરમિયાન થયું હતું. આ ભ્રષ્ટાચાર છે કારણ કે નાળા પરના પુલના નિર્માણમાં ખરાબ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજી તરફ શાહિનાથગંજ પોલીસ ઈન્સ્પેક્ટર અજય કુમારે જણાવ્યું કે આ ઘટના લગભગ બપોરે 2 વાગ્યે બની હતી. જેમાં એક વ્યક્તિને ઈજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલા ફૂટ લાંબો રસ્તો જમીનમાં ધસી ગયો છે. અનેક વાહનો રોડની અંદર પણ પડી ગયા હતા અને રોડ પર રાખેલી શાકભાજીની લારીઓ પણ જમીનમાં સમાઈ ગઈ હતી. જેના કારણે શાકભાજી વિક્રેતાઓને પણ ભારે નુકસાન વેઠવું પડ્યું છે. સાથે જ વાહનોને પણ નુકસાન થયું છે. જે પોલીસકર્મીઓ ક્રેનની મદદથી તેમને બહાર કાઢી રહ્યા છે.