થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી કક્ષાનું પદ મેળવનારા એક નેતાએ આરએસએસને પત્ર લખીને અમિત શાહ અને નરેન્દ્ર મોદીને હટાવવાની માગણી કરી હતી અને તેમની જગ્યાએ ભાજપની કમાન સંઘના પૂર્વ નેતા અને હાલ કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીને સોપવા કહ્યું હતું. પાંચ રાજ્યોમાંથી એક પણમાં ભાજપની જીત ન થતા તેમણે આ સલાહ આપી હતી. હવે નિતિન ગડકરીએ પણ આ રાજ્યોમાં ભાજપની હાર માટે પક્ષના ટોચના નેતાને જ જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો વિધાનસભા કે કોઇ પણ ચૂંટણીમાં સાંસદો અને ધારાસભ્યો સારો દેખાવ ન કરી શકે તો તેના માટે પક્ષ પ્રમુખ જ જવાબદાર ગણાય છે. તેમણે આ નિવેદન ભાજપ અધ્યક્ષ અમિત શાહને ટાંકીને કર્યું હતું, જેને પગલે હવે અમિત શાહના નેતૃત્વ અંગે પક્ષના નેતાઓ જ સવાલો ઉઠાવવા લાગ્યા છે.
આઇબીના એક કાર્યક્રમમાં સંબોધતી વેળાએ ગડકરીએ આ નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જો હું પક્ષ પ્રમુખ હોઉ અને આ દરમિયાન મારા પક્ષના ધારાસભ્યો અને સાંસદો નિષ્ફળ રહે તો તેના માટે કોણ જવાબદાર? હું જ તો જવાબદાર ગણાઉ. પ્રમુખે હારની પણ જવાબદારી લેવી જોઇએ. નરેન્દ્ર મોદી પોતાના ભાષણોમાં પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુની ટીકા કરતા હોય છે.
આ સ્થિતિ વચ્ચે જોકે નિતિન ગડકરીએ નેહરુના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સિસ્ટમને સુધારવા માટે અન્યો તરફ આંગળી કેમ ચીંધો છો? પોતાની તરફ કેમ નહીં? મને યાદ છે કે જવાહરલાલ નેહરુ હંમેશા કહેતા હતા કે ભારત કોઇ દેશ નહીં લોકોનો એક સમુહ છે, જો દરેક વ્યક્તિ કોઇ સમસ્યા જ ઉભી ન કરે તો દેશની અડધી સમસ્યાઓનો તો એમ જ નિકાલ આવી જાય. દરેક વ્યક્તિએ એવું વિચારવું જોઇએ કે તે આ દેશ માટે સમસ્યા ઉભી નહીં કરે. હંુ પણ તેવું જ વિચારવા માગુ છું.
ભાજપમાં નરેન્દ્ર મોદી તેમના ભાષણો માટે જાણીતા છે, અને પાંચ રાજ્યોમાં પ્રચારની કમાન મોદીએ જ સંભાળી હતી જેમાંથી કોઇ પણમાં જીત ન મળી શકી. તેઓએ અનેક રેલીઓને સંબોધી હતી. આ દરમિયાન નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે સારુ સારુ બોલવાથી કે ભાષણો આપવાથી ચૂંટણી નથી જીતી શકાતી, તમે ગમે તેટલા વિદ્વાન કેમ ન હોવ, પણ બની શકે કે લોકો તમને મત ન આપે.
જો કોઇ એવું વિચારતું હોય કે તેને બધી જ ખબર પડે છે તો તે જુઠો છે. વિશ્વાસ અને અહંકારમાં ફરક હોય છે. તમારે પોતાના પર વિશ્વાસ રાખવો જોઇએ પણ અહંકારથી દુર રહેવું જોઇએ. નોંધનીય છે કે મોદી-અમિત શાહમાં અહંકાર આવી ગયાના આરોપો પણ થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં નિતિન ગડકરીનંુ આ નિવેદન સામે આવી રહ્યું છે.