દેશની રાજકીય સ્થિતિ ખૂબ જ મુશ્કેલ, કહી ન શકાય કોણ બનશે આગામી PM : બાબા રામદેવ

Published on: 5:42 am, Wed, 26 December 18

2014ની લોકસભા ચૂંટણી સમયે વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીનું જાહેરમાં સમર્થન કરનારા યોગ ગુરુ બાબા રામદેવનો વિશ્વાસ ડગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. યોગ ગુરુએ કહ્યું છે કે આગામી વડાપ્રધાન કોણ હશે, તેના વિશે કંઈ કહી ન શકાય.

રામદેવ એક કાર્યક્રમમાં સામેલ થવા મદુરૈ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કહ્યું કે, દેશના રાજકારણની સ્થિતિ ખૂબ મુશ્કેલ છે. અમે એવું ન કહી શકીએ કે આગામી પીએમ કોન હશે.

યોગ ગુરુએ તેની સાથે જ કહ્યું કે, હું રાજકારણ પર ધ્યાન નથી આપતો. હું કોઈનું સમર્થન કે વિરોધ નથી કરતો. અમારું ધ્યાન સાંપ્રદાયિક કે પછી હિન્દુ ભારત બનાવવામાં નહીં પરંતુ એક આધ્યાત્મિક ભારત અને વિશ્વ બનાવવાનું છે.

બાબા રામદેવને રાજકીય, આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે ઓળખવામાં આવે છે. હાલમાં જ બોલીવુડ અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા બુલંદશહર હિંસાને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈ વિવાદ ઉપર પણ યોગ ગુરુએ પોતાનો મત રજૂ કર્યો.

નસીરુદ્દીન શાહને એક પ્રકારે જવાબ આપતાં કહ્યું હતું કે, ભારતમાં જેટલી સહિષ્ણુતા છે તેટલી દુનિયાના કોઈ પણ દેશમાં નથી. તેમને દુનિયા ફરીને જોવું જોઈએ. આ ઉપરાંત ભગવાન હનુમાનની જાતિને લઈને ચાલી રહેલા વિવાદ ઉપર પણ રામદેવે આકરી ટિપ્પણી કરી હતી. તેઓએ કહ્યું હતું કે, હનુમાનજીને જાતિ સાથે જોડવી મહાપુરુષોનો અનાદર છે.

બીજી તરફ, યોગ ગુરુ રામદેવના આ નિવેદનથી હાલની રાજકીય સ્થિતિ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. જ્યાં કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભાજપને પછાડતા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની સત્તામાં પરત આવી છે.