રાજકોટ(ગુજરાત): તાજેતરમાં રાજકોટ શહેરમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સગીરા મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અસરથી અંજાઇ જતા ચિઠ્ઠી લખીને મુંબઇ તરફ જતી હતી. આ અંગેની જાણ પરિવારજનોને થતા રાજકોટ પોલીસે રેલ્વે પોલીસની મદદથી વિરમગામ ખાતે સગીરાને રોકી તેના પરિવારજનો સાથે તેનું સુખદ મિલન કરાવ્યું હતું.
વર્ષ 2003માં બોલિવૂડની એક ફિલ્મ હતી જેનું નામ હતું, ‘મે ભી માધુરી દીક્ષિત બનના ચાહતી હું’. આ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે રાજપાલ યાદવ તેમજ લીડ એક્ટ્રેસ તરીકે અંતરા માલીની હતા. જાણવા મળ્યું છે કે, આ ફિલ્મમાં જે પ્રકારે અંતરા માલીની પોતે માધુરી દિક્ષિતની જેમ એક્ટ્રેસ બનવા માંગે છે તેના પર આધારીત છે. ત્યારે આ ફિલ્મની વાર્તા સાથે થોડો મળી આવતો એક કિસ્સો રાજકોટમાંથી પણ સામે આવ્યો છે.
જાણવા મળ્યું છે કે, રાજકોટ માલવિયા નગર પોલીસ મથક વિસ્તારમાં એક સગીરા ફિલ્મોમાં એક્ટ્રેસ બનવા માટે ઘર છોડી ભાગી જવાનો મામલો સામે આવતા પોલીસ તુરંત એક્શનમાં આવી ગઈ હતી. હાલ આ સગીરાને શોધી કાઢવામાં આવી છે. આ અંગે સગીરાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમની સગીર વયની દીકરી ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહી છે. તેમણે જણાવ્યું કે, મારી દીકરીને અભિનેત્રી બનવાનો શોખ હતો અને પોતાનું આ સપનું પૂરું કરવા માટે તે ત્રણ પાનાની ચીઠી ઘરે મૂકીને જતી રહી છે.
સગીરાના પિતાની રજૂઆતને ગંભીરતાથી લઇ માલવિયાનગર પોલીસ દ્વારા સગીરાના ફોટોગ્રાફ્સ તેમજ ઘરેથી નીકળતા સમયે કયા પ્રકારના કપડાં પહેર્યા છે આ સાથે જ સીસીટીવી ફૂટેજ, human ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ખાનગી ટ્રાવેલ્સની ઓફીસ વગેરે સ્થળોએ તપાસ કરી સગીરાને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તપાસ કરતી વખતે માલવિયાનગર પોલીસને બાતમી મળી હતી કે, સગીરા સૌરાષ્ટ્ર મેલમાં બેસીને રાજકોટથી મુંબઈ જઈ રહી છે. હાલ જે ટ્રેન વિરમગામ નજીક પહોંચી છે. આ દરમિયાન વિરમગામ રેલ્વે સ્ટેશન ખાતે રેલવે પોલીસની મદદથી સગીરાને શોધી કાઢવામાં આવી અને માલવિયાનગર પોલીસને સોંપી દેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.