વિદેશમાં નોકરી છોડી ‘પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ’ માં હજામ-મોચી બની કરી રહ્યા છે સેવા- જુઓ વિડીયો

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)ના આંગણે 600 એકરમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ભવ્યથી ભવ્ય ઊજવાઈ રહ્યો છે. પ્રમુખસ્વામી નગર(Pramukh Swami Nagar)ના નિર્માણનું કામ જ્યારથી શરૂ થયું ત્યારથી દેશ અને દુનિયાના 80 હજારથી વધુ સ્વયંસેવકો 60થી વધુ વિભાગમાં સેવા કરવા માટે પ્રમુખસ્વામી નગરમાં પહોંચી ગયા છે અને હાલમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ દરમિયાન પણ સતત ખડેપગે સેવા આપી રહ્યા છે, પરંતુ નગરમાં સેવા કરતા સમયે આ સ્વયંસેવકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે આ સ્વયંસેવકો જ્યારે સેવા કરતા હોય છે એ સમયે કોઈક સ્વયંસેવકનાં કપડાં ફાટી જતાં હોય છે. તો આ દરમિયાન કોઈ સ્વયંસેવકના બૂટ કે ચંપલ તૂટી જતાં હોય છે, તો કેટલાક સ્વયંસેવકોને હેર સલૂનની પણ જરુર પડતી હોય છે. ત્યારે સ્વયંસેવકોની આ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવા અને તેમનો સમય ન બગડે એ માટે સંતો દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે છે અને દરજીકામ, મોચીકામ અને હેર સલૂનની સેવા પ્રમુખસ્વામી નગરમાં જ ઊભી કરવામાં આવી છે, જેમાં પ્રોફેશનલ હેર આર્ટિસ્ટ, દરજી અને મોચીઓ સેવા આપી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં સ્વયંસેવકો આ સેવાનો લાભ લેવા આવે છે તેમ છતાં પણ કોઈપણ પ્રકારની અહીં લાઈનો જોવા મળતી નથી. આ માઇક્રોમેનેજમેન્ટ જોઈને તમે પણ નવાઈ પામશો.

પ્રમુખસ્વામી નગરમાં છેલ્લા કેટલાય સમયથી હરિભકતો સેવા આપી રહ્યા છે. ત્યારે આ સ્વયંસેવકોના વાળ અને દાઢી પણ વધુ પડતાં ઊગી ગયાં હતાં, પરંતુ આ માટે સ્વયંસેવકોને નગરની બહાર ક્યાંય જવાની જરૂર નથી. મહત્વનું છે કે, એ માટેની તમામ વ્યવસ્થા પણ શતાબ્દી મહોત્સવમાં કરવામાં આવી છે. અહીં ત્રણ જુદી જુદી જગ્યાએ સલૂન ઊભાં કરવામાં આવ્યાં છે, જેમાં 4 નંબરના ગેટ પાસે 40 સીટવાળું સલૂન ઊભું કરવામાં આવ્યું છે, 7 નંબરના ગેટ પાસે 40 સીટવાળું અને પ્રમુખ હૃદયમાં 20 સીટવાળું સલૂન ઊભું કરવામાં આવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અહીં માત્ર એક જ દિવસમાં એક સલૂનમાં 700થી 800 લોકો આવી રહ્યા છે, એટલે ત્રણેય સલૂનમાં બે હજારથી વધુ સ્વયંસેવકો હેર કટિંગ અને દાઢી કરાવવા માટે આવી રહ્યા છે.

જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે આપણે વાળ અને દાઢી કપાવવા માટે સલૂનમાં જઈએ ત્યારે આપણી પાસેથી વાળ કાપવાના 100 રૂપિયા અને દાઢી કરવાના 50 રૂપિયા લેવામાં આવ્યા હોય છે, પરંતુ અહીં સ્વયંસેવકો પોતપોતાની નોકરી અને ધંધા રોજગાર છોડીને આવ્યા હોવાથી તેમને માત્ર 10 રૂપિયા જેટલો ટોકન રૂપે ચાર્જ લઈને દાઢી અને વાળ કાપી આપે છે. ફક્ત 10 રૂપિયા ચાર્જ લેતા હોવા છતાં પણ અહીં સલૂનમાં વપરાતી બ્રાન્ડેડ વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પ્રમુખસ્વામી બાપાનો શતાબ્દી મહોત્સવ શરૂ થયો એના એક દિવસ અગાઉ જ સલૂનના વ્યવસાય સાથે જોડાયેલા 250 કરતાં વધુ સ્વયંસેવકો આ મહોત્સવમાં પહોંચ્યા હતા. જેમાં ગુજરાત, મુંબઈ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી તો આવ્યા જ છે, પરંતુ એક ભાઈ તો છેક કતારથી અહીં સેવા કરવા માટે આવ્યા છે. આ તમામ સ્વયંસેવકો અહીં 35 દિવસ સુધી પ્રમુખસ્વામી નગરના સ્વયંસેવકો માટે સેવા આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્વયંસેવકો દ્વારા સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આવનારા તમામ સ્વયંસેવકોના વાળ અને દાઢી કરી આપવામાં આવે છે. અહીં માત્ર હેર કટિંગ અને સેવિંગ જ નહિ, જે સ્વયંસેવકના નખ વધી ગયા હોય તો તેમને નેલ કટિંગ પણ અહીં કરી દેવામાં આવે છે. અહીં 250 સ્વંયસેવકમાંથી કેટલાક એવા સ્વયંસેવકો છે, જેઓ પોતે ફેકટરીના માલિક કે પછી સારી પોસ્ટ પર નોકરી કરી રહેલા લોકો અહીં દર કલાકે કચરો વાળે છે અને કેટલાક લોકો રૂમાલ અને નેપ્કિનને ધોવાની સેવા પણ આપી રહ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ચાલી રહેલી આ સેવામાં મૂળ ગુજરાતી અને કતારમાં જોબ છોડીને આવેલા વિપુલ મૈસૂરિયાએ જણાવતા કહ્યું છે કે, હું છેલ્લાં ત્રણ વર્ષથી હું કતારમાં ગેસની કંપનીમાં નોકરી કરું છું. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આવવાનો હતો ત્યારે અહીંની સેવા માટે મેં કંપનીમાંથી રજા માગી હતી, પરંતુ કંપનીમાંથી રજા ન મળતાં હું જોબ છોડીને અહીં સેવામાં આવી ગયો છું. અહીં જે હરિભક્તો સેવામાં આવ્યા છે તેમનાં હેર કટ અને દાઢી કરવાની સેવા આપી રહ્યો છું અને આ સેવામાં જ બાપાનો રાજીપો છે.

મહત્વનું છે કે, આ પ્રમુખસ્વામી નગરમાં સેવા કરી રહેલા લોકોની સેવા દરમિયાન કપડાં ફાટી જવાની કે પછી ચેઈન રિપેર કરવાથી લઈને ફિટિંગની જરૂરિયાત ઊભી થઈ હતી, એને જોતાં આ સેવા પણ શરૂ કરવામાં આવી છે. એમાં ત્રણ જેટલા દરજી સ્વયંસેવકો અહીં લોકોનાં ફાટેલાં કપડાં સાંધી આપવાની સેવા એક પણ રૂપિયો લીધા વગર કરી રહ્યા છે. ત્યારે એક સ્વયંસેવક સાથે વાત કરતાં તેમણે જણાવતા કહ્યું હતું કે, અહીં અમે 11 ડિસેમ્બરથી અહીં સેવામાં હાજર થઈ ગયા છીએ, પણ અમારી સેવા અહીં 15 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે, જે અમે મહોત્સવ પૂર્ણ થયા સુધી ચાલુ રાખીશું.

જયારે વિસાવદરથી મોચીકામની સેવા કરવા માટે આવેલા મનસુખભાઈ ચૂડાસમાએ જણાવતા કહ્યું હતું કે, આ પ્રમુખસ્વામી નગરમાં 80 હજાર સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. ખુબ જ મોટી સંખ્યામાં લોકો નગર જોવા માટે આવી રહ્યા છે. ત્યારે તેમનાં બૂટ અને ચંપલ તૂટી જતાં હોય છે તેને સાંધવાની સેવા અમે કરી રહ્યાં છીએ. તેની સાથે સાથે થેલાની ચેઇન રિપેરિંગથી લઈને નાનુંમોટું કંઈપણ કામ હોય તો પણ કરી દઈએ છીએ. આ અમૂલ્ય સેવાનો લાભ અમને જે મળ્યો છે એ અમારું મોટું ભાગ્ય છે. અમે આ સેવામાં જોડાયા ત્યારથી અત્યારસુધીમાં 1800 કરતાં વધુ લોકોનાં ચંપલ અને બૂટને સાંધ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *