ગોંડલના સાસુ વહુ જેવો પ્રેમ ઘરમાં હોય તો પરિવારમાં ક્યારેય ઝઘડા થાય જ નહી- વાંચો અહિ

આ ઘટના બે વર્ષ અગાઉની છે, જેનું આલેખન ગુજરાતના જાણીતા લેખક અને ક્લાસ 1 ઓફિસર શૈલેશ સગપરીયા દ્વારા થયેલ છે.

રાજકોટના ગોંડલ તાલુકાના સગપર ગામના વતની પ્રાગજીભાઈ બુહાના દીકરા બિપિનના લગ્ન આજથી 7 વર્ષ પહેલાં દક્ષા નામની છોકરી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ પછી જ દક્ષાબેનને પેટમાં દુખાવો ઉપાડ્યો. રિપોર્ટ્સ કરાવ્યા તો બંને કિડની ડેમેજ. બીપીનભાઈ પર તો જાણે કે આભ તૂટી પડ્યું. પણ હિમતપૂર્વક આવી પડેલા દુઃખનો સામનો કરવાનું પતિ-પત્નીએ નક્કી કર્યું. પરિવારમાં બીજા કોઈને આ બાબતે જાણ ના કરી. ડાયાલિસિસ કરીને ચલાવ્યે રાખ્યું પણ પછી પરિવારને જાણ કરી.

દક્ષાબેનના પિયરીયામાંથી બીપીનભાઈને બીજા લગ્ન કરી લેવા માટે કહેવામાં આવ્યું પણ બીપીનભાઈએ સ્પષ્ટપણે ના પાડી દીધી. લગ્ન વખતે અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ સાથે રહેવાની પ્રતિજ્ઞાઓ લીધી છે તો પછી ગમે તેવા સંજોગોમાં સાથ નિભાવવો જ છે. ધીમે ઘીમે દુખાવો વધવા લાગ્યો અને ડોક્ટરે કિડની બદલવાની સલાહ આપી. સિવિલ હોસ્પિટલમાં કિડની દાનમાં લેવા માટે નામ પણ નોંધાવ્યું પણ વારો આવતો નહોતો.

હવે પરિવારમાંથી જ કોઈ કિડની આપે તો થાય. જીવનસાથી માટે બીપીનભાઈ કિડની આપવા તૈયાર થયા પણ દક્ષાબેન આ માટે તૈયાર નહોતા. પતિની કિડની લેવાની એને સ્પષ્ટપણે ના પાડી દીધી. પિયરીયામાં પિતાનું અવસાન થયેલું અને ભાઈના લગ્ન કરવામાં પણ બાકી હતા આથી ત્યાંથી પણ કોઈની કિડની સ્વીકારી શકાય એમ નહોતી.

આવી વિકટ પરિસ્થિતિમાં બીપીનભાઈના માતા અને દક્ષાબેનના સાસુ મુકતાબેન પોતાની કિડની દાનમાં આપીને દીકરી સમાન વહુને દુઃખમાંથી મુક્ત કરવા તૈયાર થયા. વૃદ્ધાવસ્થામાં એક કિડનીથી રહેવામાં કેવા જોખમ છે એ જાણવા છતાં વહુ માટે એક સાસુ પોતાની કિડની આપવા રાજી હતા. જે દીકરી પોતાનું સર્વસ્વ છોડીને મારા ઘરમાં આવી છે એ મારી જ દીકરી છે અને દીકરીનો જીવ બચાવવાનો એ એક માની ફરજ છે એટલે મારે મારી કિડની મારી દીકરી સમાન વહુને આપી દેવી છે.

અમદાવાદની એપોલો હોસ્પિટલમાં બધા રિપોર્ટ્સ થયાં. સાસુની કિડની વહુને મેચ પણ થઈ ગઈ. એપોલોના ડોકટરોએ કહ્યું કે કોઈ સાસુએ પોતાની વહુને કિડની ડોનેટ કરી હોય એવો આ હોસ્પિટલનો કદાચ પહેલો કિસ્સો છે. અત્યારે સાસુ વહુ બંને અમદાવાદની હોસ્પિટલમાં છે અને કિડની બદલતા પહેલાના જુદા જુદા ટેસ્ટ ચાલી રહ્યા છે. થોડા દિવસમાં જ સાસુની કિડની વહુના શરીરમાં કામ કરતી હશે.

દરેક માતા પોતાના સંતાનોને અનહદ પ્રેમ કરે એ સ્વાભાવિક છે પણ જે સાસુ એની વહુને પોતાના શરીરનો એક હિસ્સો આપી દે એ માં સમાન સાસુ કોટિ કોટિ વંદનના અધિકારી છે. સંતાનોને પ્રેમ કરનારી માતાઓ મુકતાબેનની જેમ વહુઓને પણ પ્રેમ કરતી થઈ જાય તો કેટલાય સામાજિક પ્રશ્નો આપોઆપ હલ થઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *