હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ જીવલેણ વાઈરસના સંક્રમણને અટકાવવા માટે જરૂરી પગલા ભરવામાં આવી રહ્યાં છે. દેશમાં 31-મે સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા માસ્ક ફરજિયાત અંગે મોટો નિર્ણય લેવાયો છે. જેમાં માસ્ક પહેર્યા વિના બહાર નીકળનારા લોકો પાસેથી દંડ વસૂલવા મામલે રકઝક થતી હોવાથી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં માસ્ક પહેર્યા ન હોય તેવા વ્યક્તિઓ પાસે પહેલા 1000 રૂપિયા અને બાદમાં રાજ્ય સરકારની સૂચના આવતા 200 રૂપિયા દંડ વસૂલ કરે છે. દંડ વસૂલ કરવાની કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસર સહિતના અધિકારીઓ સાથે માથાકૂટ થાય છે. મનપાએ માસ્કની રકમ વસૂલ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. મનપાના અધિકારીઓ માસ્ક વગર નીકળ્યા હોય તેમના ફોટા પાડે છે અને માસ્ક વગર નીકળ્યા હોય તેમના ઘરે ઇ-મેમો મોકલી આપવાનું શરૂ કર્યું છે.
1000 રૂપિયા દંડ વસૂલાત કરવાની શરૂઆત
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે રાજકોટમાં માસ્ક ફરજિયાત અંગે 12 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને 13 એપ્રિલથી માસ્ક વગર નીકળતા લોકો પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલાત કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે 200 રૂપિયા દંડ વસૂલ કરવા સૂચના આપતા હાલ 200 રૂપિયા દંડ વસૂલ કરાય છે.
જેમાં દૈનિક સરેરાશ 100 થી વધુ લોકો માસ્ક વગર પડકાઇ છે. 26 મેના રોજ ઇસ્ટ ઝોનમાંથી 32, સેન્ટ્રલ ઝોનમાંથી 56 અને વેસ્ટ ઝોનમાંથી 63 લોકો માસ્ક વગર પકડાયા હતા. દંડ વસૂલ કરવાની કામગીરીમાં વાહનચાલકો દંડની રકમ આપવામાં આનાકાની કરે છે. અનેક વખત માથાકૂટ પણ થાય છે તો ક્યારેક વાહનચાલકના ખિસ્સામાં દંડ આપવા જેટલી રકમ પણ ન હોવાથી મનપાએ ઇ-મેમો આપવાનું નક્કી કર્યું છે. તે મુજબ અત્યાર સુધીમાં 397 લોકોને માસ્ક ન પહેવા બદલ ઇ-મેમો મોકલ્યો છે.
મનપાનું RTOમાં ટાઇઅપ નહીં હોવાથી ઇ-મેમો હોવા છતાં વાહન વેચી શકાય
રાજકોટ પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી અથવા પોતાના જવાનો મારફત શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહનચાલકો કે હેલ્મેટ સહિતના દંડ વસૂલ કરવા ઇ-મેમો મોકલે છે. વાહનચાલકે પોલીસના ઇ-મેમાની રકમ જમા કરાવવાની હોવા છતાં તે પોતાનું વાહન વેચાણ કરી શકે છે આ જ રીતે મહાનગરપાલિકા અને આરટીઓ વચ્ચે આ અંગે કોઇ ટાઇઅપ થયું ન હોવાથી મનપાના ઇ-મેમાની રકમ બાકી હોવા છતાં વાહનનું વેચાણ થઇ શકે અને અન્ય વ્યક્તિના નામે વાહન ટ્રાન્સફર થઇ શકે.
જાહેરમાં થૂંકવા બદલ 23ને ઇ-મેમો
રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જાહેરમાં થૂંકવા બદલ રૂ.250 દંડ વસૂલ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ત્યાર બાદ કોરોના વાઇરસના પગલે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જાહેરમાં થૂંકવા બદલ 500 રૂપિયા દંડ વસૂલ કરવાની જાહેરાત કરી હતી. બાદમાં રાજ્ય સરકારે થૂંકવા બદલ 200 રૂપિયા દંડ વસૂલ કરવા આદેશ કર્યો છે. રાજકોટમાં થૂંકવા બદલ 23 લોકોને ઇ-મેમો રજિસ્ટર એડીથી મોકલી આપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.