ડુપ્લિકેટ ચલણી નોટો જપ્ત: પૈસા કમાવવાની લાલચમાં બનાવટી ચલણી નોટ લાવ્યો, બજારમાં વટાવતા ઝડપાયો

Surat Duplicate Currency Note News: સુરત શહેરમાં ફરી એક વખત ડુપ્લિકેટ ચલણી નોટો ઝડપાઈ છે. SOG પોલીસની ટીમે ડુપ્લિકેટ ચલણી નોટો ઝડપી પાડી છે.આ સાથે જ પોલીસે કુલ 3 આરોપીઓની(Surat Duplicate Currency Note News) ધરપકડ કરી છે અને 19 હજારની ડુપ્લિકેટ ચલણી નોટો જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી પાસેથી પોલીસે 19 હજારની બનાવટી ચલણી નોટો જપ્ત કરી
સુરતમાં ભાવિન હિમ્મતભાઈ વ્યાસ નામનો ઇસમ કોઈ જગ્યાએથી બનાવટી ભારતીય ચલણી નોટ મેળવી લાવી વટાવવા સુરત શહેરમાં ફરતો હોવાની બાતમી SOG પોલીસને મળી હતી, જે બાદ SOG પોલીસની ટીમે સલાબતપુરા કિન્નરી ટોકીઝ પાસેથી આરોપી 33 વર્ષીય ભાવિન હિમ્મતભાઈ વ્યાસને ઝડપી પાડ્યો હતો.

સાથે જ પોલીસે તેની પાસેથી 19 હજારની બનાવટી ચલણી નોટો જપ્ત કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આર્થિક પરિસ્થિતિ સારી નહિ હોવાથી પૈસા કમાવવાની લાલચમાં તેના મિત્ર ગોપાલ વિઠલાણી પાસેથી બનાવટી ચલણી નોટ લાવી બજારમાં વટાવવા ફરતો હોવાનું જણાવ્યું હતું.

આરોપી નાસ્તા હાઉસ નામની લારી ચલાવતો
આ દરમિયાન SOG​​​​​​​ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને ઉત્રાણ મનીષા ગરનાળા પાસેથી આ ગુનામાં વોન્ટેડ આરોપી ગોપાલ મુકેશભાઈ વિઠલાણીને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તે અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે મઢુલી નાસ્તા હાઉસ નામની લારી ચલાવતો હતો.અહી તેની દુકાન પર કૃપાલ નામનો શખસ અવારનવાર નાસ્તો કરવા આવતો હતો.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
તેની સાથે તેનો સારો પરિચય થતા તેણે આજથી 15 દિવસ પહેલા જણાવ્યું હતું કે, હું નકલી નોટનો ધંધો કરું છું. તારે જરૂર હોય તો જણાવજે. જેથી તેની પાસેથી પોતે 50 હજારની નકલી નોટ લીધી હતી અને ભાવિનને આપી હતી. જેથી, આ ગુનામાં SOG પોલીસે વધુ તપાસ હાથ ધરીને સરથાણા વાલક પાટિયા પાસેથી આરોપી કૃપાલ અરવિંદભાઈ પટેલને પણ ઝડપી પાડ્યો હતો.

50 હજારની નકલી નોટ ગોપાલ વિઠલાણીને આપી
​​​​​​​પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલા પોતે જમીનના સોદા માટે વડોદરા ખાતે ગયો હતો ત્યાં તેની મુલાકાત પંકજભાઈ પંચાલ સાથે થઇ હતી. તેણે આજદિન સુધી 60 હજારની નકલી નોટ આપી હતી, જેમાંથી પોતે 10 હજારની છૂટક બજારમાં વટાવી દીધી હતી તથા 50 હજારની નકલી નોટ ગોપાલ વિઠલાણીને આપી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.