ગોધરામાં કાર-ટેન્કર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત: પતરા તોડી 7ને બહાર કાઢ્યા, 5નાં મોત

Godhara Accident: ગોધરાના ગોલ્લાવ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. અહીં કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કારમાં 7 લોકો સવાર હોવાની માહિતી સામે આવી રહી છે. અકસ્માતમાં(Godhara Accident) કારના ભુક્કા બોલી ગયા છે. જ્યારે કારના પતરા તોડીને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ઈકો કાર અને ટૅન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત
ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે આવેલી ITI પાસે એક ઈકો કાર અને ટૅન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યાં હતા. ત્રણ લોકોના ઘટનાસ્થળે તો એક ઈસમ રસ્તામાં જ સારવાર માટે લઈ જતાં મરણ પામ્યો હતો. ઘાયલોને સારવાર માટે ગોધરા તેમજ દેવગઢ બારિયા ખાતે ખસેડવામા આવ્યા હતા.

આ ઘટનામાં જે મરણ પામેલા અને ઈજાગ્રસ્ત લોકો હતા, તે છોટાઉદેપુર તાલુકાવા કર્ણાવટ ગામના હોવાની વિગતો સાંપડી છે. જેમાં નરેશ નામના એક ઈસમનું મગજ અસ્થિર હોવાથી તેને સારવાર માટે ગોધરા ખાતે લાવવામાં આવ્યો હતો. જેની સારવાર કર્યા બાદ પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. આ બનાવમાં રાજુ રેસા હાલ દેવગઢબારિયા સારવાર હેઠળ છે અને અરવિંદભાઈ નામના ઈસમનું દેવગઢબારિયા હોસ્પિટલમાં મોત થઈ ગયું છે.

એક જ પરિવારના 5 સભ્યના મોત
ગોધરા તાલુકાના ગોલ્લવ પાસે છોટાઉદેપુરથી જઈ રહેલી ઇકો ગાડીને સામેથી બેફામ આવતાં ટેન્કરે અડફેટે લીધી હતી. જેથી ગાડીમાં સવાર સાત લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. જ્યારે બે લોકોની હાલત અતિગંભીર હોવાને કારણે તાત્કાલિક 108 ઍમ્બુલન્સ દ્વારા દેવગઢ બારિયા ખાતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર લેતાં પહેલાં જ એક ઈસમનું 108માં જ મોત નીપજ્યું હતું. મહત્ત્વનું છે કે, 5 ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવા માટે ત્યાં આવ્યા હતા. જે પૈકી ચાર ઈજાગ્રસ્તોના કરુણ મૃત્યુ નીપજ્યા હોવાનું તબીબે જાહેર કર્યું હતું. જ્યારે એક ગંભીર ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયો હતો. હાલ બે લોકોની હાલત નાજુક હોવાના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઈકો કારમાં કુલ 7 લોકો સવાર હતા.