ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના યમુના એક્સપ્રેસ વે(Yamuna Express Way) પર શનિવારે એટલે કે આજ રોજ વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) થયો હતો, જેમાં એક સાથે સાત લોકોના દર્દનાક મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના કુરચે ફુરચા ઉડી ગયા હતા અને કારને ખુબ જ નુકસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કારમાં કુલ 9 લોકો સવાર હતા.
અકસ્માત કેવી રીતે થયો તે હજુ જાણી શકાયું નથી. આ તમામ લોકો લગ્ન સમારોહમાંથી કારમાં પાછા આવી રહ્યા હતા અને યમુના એક્સપ્રેસ વે પર અકસ્માતનો ભોગ બન્યા હતા. કારનો આગળના ભાગનો તો ભુક્કો બોલી ગયો હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કાં તો સામેથી કોઈ વાહને કારને ટક્કર મારી છે અથવા તો કાર આગળ જઈ રહેલા કોઈ વાહન સાથે અથડાઈ છે. આ અકસ્માત નૌઝીલ વિસ્તારમાં થયો હતો.
7 લોકોના દર્દનાક મોત:
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાંથી તમામ 9 ઘાયલોને ભારે મુશ્કેલીથી બહાર કાઢ્યા હતા. કારમાં બેઠેલા લોકો અંદર જ ફસાયા હતા. ભારે જહેમત બાદ કારને ગેસ કટર વડે કાપીને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ 7 લોકોને મૃત જાહેર કર્યા. મૃતકોમાં 3 મહિલા, 3 પુરૂષ અને 1 બાળકનો સમાવેશ થાય છે જ્યારે 2 ઘાયલોની સારવાર ચાલી રહી છે.
આગ્રાથી નોઈડા જઈ રહી હતી કાર અકસ્માતનો શિકાર બની:
પોલીસે માહિતી આપી છે કે કારનો નંબર UP16 DB9872 છે. મળતી માહિતી મુજબ, કાર આગ્રાથી નોઈડા જઈ રહી હતી. હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસને વાહનમાંથી કેટલાક દસ્તાવેજો મળ્યા છે.જેના આધારે સંબંધીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અકસ્માત પાછળનું કારણ જાણવા પોલીસ એક્સપ્રેસ-વે પર લાગેલા સીસીટીવીની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.