ભયંકર પૂરમાં અત્યાર સુધીમાં ૧૨૨ લોકોના મોત- સેંકડો લોકો પ્રભાવિત- જુઓ તબાહીના LIVE દ્રશ્યો

આસામમાં દિવસેને દિવસે પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ૧૨૨ લોકોના મોત થયા છે. શનિવારના રોજ ચાર લોકોના મોત થયા હતા. જયારે રાજ્યમાં, 25.10 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. કછાર જિલ્લામાં સિલચર શહેર છઠ્ઠા દિવસે પણ ડૂબેલુ હતું. 

અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર, મૃતકોમાં બરપેટા, કચર, દારંગ અને ગોલાઘાટ જિલ્લાના લોકો વધારે છે. આ સાથે આસામમાં આ વર્ષે પૂર અને ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 122 પર પહોંચી ગઈ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ, 27 જિલ્લાઓમાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા હવે ઘટીને 25.10 લાખ થઈ ગઈ છે, જે શુક્રવાર સુધીમાં 28 જિલ્લામાં 33.03 લાખ હતી.

અધિકારી પાસે થી મળતી માહિતી અનુસાર, કેટલાક જિલ્લાઓમાં પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે. નદીઓના જળસ્તરમાં કેટલાક અંશે ઘટાડો થયો છે. જોકે, ધુબરીમાં બ્રહ્મપુત્રા અને નાગાંવમાં કોપિલી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ડેપ્યુટી કમિશનર કીર્તિ જલ્લીએ જણાવ્યું હતું કે બેટકુંડી ખાતે ડેમ તૂટી જવાને કારણે છેલ્લા છ દિવસથી ડૂબી ગયેલા સિલચર શહેરમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાના પ્રયાસો ચાલુ છે અને વહીવટીતંત્ર સિલચરમાં બીમાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રાથમિકતા સાથે બચાવની કામગીરી કરી રહ્યા છે.

એરફોર્સના હેલિકોપ્ટરની મદદથી શહેરમાં ફૂડ પેકેટ્સ, પીવાના પાણીની બોટલો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં સુધી પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી આ કાર્ય ચાલુ રહેશે.

પૂર પ્રભાવિત લોકોને રાહતની સામગ્રી આપવાની સાથે પૂરની સ્થિતિ પર નજર રાખવા માટે સિલચરમાં બે ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઇટાનગર અને ભુવનેશ્વરથી 207 કર્મચારીઓ સાથે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની આઠ ટીમો અને 120 કર્મચારીઓની ટુકડી દીમાપુરથી લાવવામાં આવેલી નવ બોટ સાથે સિલ્ચરમાં તૈનાત કરવામાં આવી હતી. ASDMA અધિકારીએ જણાવ્યું હતું કે 10 CRPF જવાનો અને ચાર SDRF જવાનોને બચાવ કામગીરી માટે એરલિફ્ટ કરીને કછાર મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સિલચરમાં લગભગ ત્રણ લાખ લોકો ખોરાક, પીવાના શુદ્ધ પાણી અને દવાઓની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે.

ASDMA બુલેટિન મુજબ, રાજ્યમાં સૌથી વધુ પૂરથી પ્રભાવિત જિલ્લો બારપેટા છે, જ્યાં 8,76,842 લોકો પ્રભાવિત થયા છે. આ પછી, નાગાંવમાં 5,08,475, કામરૂપમાં 4,01,512 અને ધુબરીમાં 3,99,945 લોકો પ્રભાવિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *