અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓ પર ચોંકાવનારો ખુલાસો; જાણો આ જગ્યાએ હુમલો કરવાનો હતો પ્લાન

Ahemdabad Terrorist News: 20 મે ના રોજ અમદાવાદના એરપોર્ટ ઉપરથી ISIS ના ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય આતંકવાદીઓની કથિત રીતે ISIS સાથે સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.ચારેય આરોપી શ્રીલંકન નાગરિક હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તેઓ શ્રીલંકાથી ચેન્નાઇ અને ચેન્નાઇથી અમદાવાદ આવ્યા હતા. હવે અમદાવાદ એરપોર્ટ(Ahemdabad Terrorist News) ખાતેથી પકડાયેલા આતંકવાદીઓના મામલામાં નવી અપડેટ સામે આવી આવી રહી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

આતંકવાદીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા છે
તમામ આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક છે અને તેઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. પાકિસ્તાનના હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરી કરવાની ફિરાકમાં હતા. આતંકવાદીઓ કયા ઉદ્દેશ્યથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા. તે જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ગત વર્ષ પોલીસે પોરબંદરથી ISIS માટે કામ કરનારા કેટલાક શંકાસ્પદોને પકડ્યા હતા. ત્યારે ISના ઇન્ડિયા મોડ્યૂલનો ભાંડાફોડ થયો હતો.

આતંકવાદીઓ પાસેથી શું મળી આવ્યું અને તેમનો શું ઉદ્દેશ્ય હતો?
વિકાસ સહાયે જણાવ્યું કે, ‘ચારેય આતંકવાદીઓ પાસેથી પાસપોર્ટ, બે મોબાઈલ, સુટકેસ અને ISનો ફ્લેગ મળી આવ્યો છે. આ ચારેય ફેબ્રુઆરી 2024માં મૂળ શ્રીલંકાના અને હાલ પાકિસ્તાનમાં રહેતા અબુના સંપર્કમાં હતા. આ ચારેય ઓનલાઈન માધ્યમથી અને પ્રોટોન મેઈલની મદદથી તેના સંપર્કમાં રહ્યા. સંપૂર્ણપણે તેમણે ISની વિચારધારા અપનાવી લીધી હતી. પાકિસ્તાનમાં રહેતા અબુએ આ ચારેય લોકોને ભારતમાં કોઈ જગ્યાએ આતંકવાદી કૃત્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જે માટે આ ચારેય સહમત પણ થયા હતા. એટલી હદે તેઓ સહમત હતા કે અમુકે તો સુસાઈડ બોમ્બર બનવા માટે પણ તૈયારી દર્શાવી હતી. આ તમામને આતંકી કૃત્ય કરવા માટે અબુએ શ્રીલંકન ચાર લાખ રૂપિયા પણ આપ્યા હતા.’

તેમના મોબાઈલમાંથી શું મળી આવ્યું ?
વિકાસ સહાયે જણાવ્યું કે, ‘તેમની પાસેથી બે મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ અને વીડિયો છે. જેનાથી સાબિતી મળે છે કે તેઓ ISના સક્રિય સભ્ય બની ગયા હતા અને તેની વિચારધારામાં માનતા થઈ ગયા હતા. ઉપરાંત મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા તેમાંથી અમૂક ફોટો અને લોકેશન મળી આવ્યા. જે લોકેશન નાનાચિલોડાના હિંમતનગર રોડ પરની એક જગ્યાનું છે. આતંકીઓના કહેવા મુજબ પાકિસ્તાની હેન્ડલર છે તેમણે આતંકી કૃત્ય કરવા માટે હથિયાર એક જગ્યાએ રાખી મૂક્યા હતા. જે જગ્યાના ફોટો અને માહિતી તેમના મોબાઈલ ફોનમાંથી મળી આવી.

ત્યારબાદ તાત્કાલિક એટીએસના અધિકારીઓ રૂબરૂ તે જગ્યાએ નાનાચિલોડા પહોંચ્યા. મોબાઈલ ફોનની ગેલેરીમાં જે ફોટો હતા તે મુજબ ત્યાંથી વસ્તુઓ મળી આવી. તેની ચકાસણી કરતા તેમાંથી ત્રણ પિસ્તોલ મળી આવી. પિસ્તોલ પર સ્ટાર બનેલા છે જે પાકિસ્તાનના હથિયારોમાં હોય છે. તેના પર SATA લખેલું છે, જેનાથી સંપૂર્ણપણ સાબિત થાય છે કે આ પિસ્તોલ પાકિસ્તાનની છે. સાથો સાથ 20 કારતૂસ પણ મળી આવી છે. ત્રણેય પિસ્તોલ લોડેડ હતી. બેમાં સાત કારતૂસ અને એકમાં છ કારતૂસ મળી આવ્યા હતા. આ સાથે ISનો ઝંડો પણ મળી આવ્યો છે. જે બાબતે આતંકીઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમને આદેશ હતો કે જ્યાં કૃત્ય કરશે ત્યાં આ ઝંડો મૂકીને આવજો.’

આતંકી કૃત્ય કઈ જગ્યાએ કરવાના હતા?
વધુમાં જણાવ્યું હતું કે, ‘ઝડપાયેલા આતંકવાદીઓ પૂછવામાં આવ્યું કે તેઓ કઈ જગ્યાએ આતંકી કૃત્ય કરવાના હતા. જેના જવાબમાં આતંકીઓએ જણાવ્યું કે અબુએ અમને કહ્યું હતું કે પહેલા તમે હથિયાર મેળવી લો. ATS દ્વારા હાલ તપાસ કરાઈ રહી છે કે આતંકીઓ ક્યાં જવાના હતા અને શું કરવાના હતા. નાનાચિલોડા મળી આવલે બિનવારસી સામાન અને હથિયાર કોણ મૂકી ગયું અને ક્યારે મુકી ગયું તે તપાસની બાબત છે. આ પ્રકારની તપાસમાં સમય લાગે તેમ છે. એ વાત સાચી છે કે અગાઉ કોઈ વ્યક્તિ આવીને પિસ્તોલ અને ફ્લેગ મુકી ગયું છે. ઉપરાંત અમદાવાદ, ગુજરાત, અન્ય રાજ્ય કે શ્રીલંકામાં કોનો સપોર્ટ હતો તેની તપાસ થશે.’