વડતાલધામમાં શ્રી સહજાનંદી બાળ યુવા શિબીર-9 નો પ્રારંભ; ગુજરાત,મહારાષ્ટ્રના હજારો બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગ

Vadtaldham Shibir: વડતાલધામમાં તા.25 એપ્રિલથી ચાર દિવસીય શ્રી સહજાનંદી બાળયુવા શિબીર-9 નો દબદબાભેર પ્રારંભ થયો હતો.વડતાલ પીઠાધીપતિ (Vadtaldham Shibir) આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના શુભાશીર્વાદ સાથે શિબીરનો દીપ પ્રાગટ્ય વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામી,કોઠારી દેવપ્રકાશદાસજી,સાળંગપુરના હરિપ્રકાશ સ્વામી, નારાયણસ્વામી,બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી,શુકદેવસ્વામી,વલ્લભસ્વામી,પાર્ષદવિત્થલભગત,ગુણસાગર સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શિબીરનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ ઉપસ્થિત શિબીરાર્થીઓને આર્શીવચન પાઠવતાં જણાવ્યું હતું કે આપ સૌ પરિક્ષાઓ પૂર્ણ થયા બાદ લક્ષ્મીનારાયણ દેવની છત્રછાયામાં અને આચાર્ય શ્રી રકેશ્પ્રસદીજ મહારાજના શુભઆર્શીવાદ સાથે સદગુરૂ સંતોના સાનિધ્યમાં વડતાલધામ શ્રી સહજાનંદીબાળ યુવા શિબીર-9માં પધાર્યા છો,

તે તમારા સદભાગ્ય છે કારણ કે આ મંદિર ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં બનાવ્યું છે. મંદિરના પ્રાંગણમાં આવેલ શ્રી હરિ મંડપમાં ભગવાન શ્રી હરિએ સ્વ હસ્તે શિક્ષાપત્રિ લખી હતી. ઉપરાંત અમદાવાદ અને વડતાલ એમ બે દેશ ગાદીની સ્થાપના કરી તે મહત્વની છે. બહુ ભાગ્ય હોય તેને ભગવાન બોલાવે તે વડતાલ આવતા હોય છે.

સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલધામ ધ્વારા બાળ યુવા પ્રવૃત્તિનું સૌથી મોટું કામ મેતપુરના ભગવતીભાઈ મુખી પરિવારના યજમાન પદે થઇ રહ્યું છે.ભગવાનનો શોખ હોય તે વડતાલ આવીને ખુશ થતા હોય છે. વડતાલએ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની છે.સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તોને ખુબ લાડ લડાવતા તે ભજન પણ કરાવતા અને ભોજન પણ કરાવવાનું અને મોજમાં રહેવાનું શીખવાડતા હતા.

આ પ્રસંગે મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામીએ જણાવ્યું હતું કે મોટાને સાચવવા સહેલા છે પણ બાળકોને સાચવવા ખુબ અઘરા છે. આપ બાળકો અહીં ઉત્સાહભેર શિબીરમાં ભાગ લેવા આવ્યા છે ત્યારે આપના માતા-પિતાને પણ આનંદ થાય કે મારો બાળક આધ્યાત્મિકતાના માર્ગે જઈ રહ્યો છે.તે આ લોકમાં સુખી થાય તેવી વાતો શિબિરમાં સંતો ધ્વારા શીખવામાં આવશે.આપ સૌ એકાગ્રતાપૂર્વક સાંભળી મનન કરશો તો આપણે ભવિષ્યમાં ઘણું ઉપયોગી થઇ પડશે. બાળપણમાં સારા સંસ્કાર મેળવ્યા હશે તો જીવનમાં બહુ સુખી થશે.