ગુજરાતના અમદાવાદમાં આવેલ થલતેજના સિંધુભવન રોડ પર ગુરુવારના રોજ એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. ક્રેટા કારચાલકે પેડલ રિક્ષાને ટક્કર મારતા દંપતી સહિત તેમના બે માસૂમ બાળકોને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માતમાં બે માસૂમ સગાભાઈ હાર્દિક (ઉં.૩) અને યુવરાજ (ઉં.૨)નાં કરુણ મોત નીપજ્યાં હતાં. બંને બાળકોનાં માતા-પિતાને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, પેડલચાલક અને તેની પત્ની નીચે પટકાયા બાદ પણ ચાલક વગર પેડલ રિક્ષા સાથે બાળકો ઢસડાયા હતા અને ડિવાઇડર સાથે અથડાતાં બાળકોનું મૃત્યુ થયું હતું. દંપતીની સ્થિતિ ગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. એમ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી હતી.
સિંધુભવન રોડ પર ક્રેસન્ટ પાર્ટી પ્લોટ સામે રહેતા કિરણભાઈ ભગાભાઈ વાસફોડિયા (ઉં,૨૭)એ હાર્દિક રાજેન્દ્રકુમાર શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ કિરણભાઈ ગુરુવારે સવારે ૧૦ વાગ્યે પત્ની સોનલ, દીકરા હાર્દિક અને યુવરાજને પેડલ રિક્ષામાં બેસાડી સિંધુભવન રોડ પર ઓરનેટ પાર્ક સોસાયટીવાળા રસ્તેથી પસાર થતા હતા. તે સમયે તેઓ ક્રોસ ટર્ન લેતાં પૂરઝડપે આવતી ક્રેટા કારે પાછળથી ટક્કર મારતા પેડલ રિક્ષા સાથે કિરણભાઈ, તેમની પત્ની રોડ પર પટકાયા હતા.
અકસ્માતને પગલે સ્થળ પર કાર ઊભી રાખી ચાલક હાર્દિકભાઈ ઈજાગ્રસ્ત દંપતી અને બાળકોને હોસ્પિટલ ખસેડયા હતા. જેમાં કિરણભાઈને સરસ્વતી હોસ્પિટલમાં અને યુવરાજ અને હાર્દિકને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હાર્દિક અને યુવરાજના કરુણ મોત નીપજ્યાં હતાં. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી શીલજ ઓવરબ્રિજ પાસે કાવેરી પ્રથમમાં રહેતા હાર્દિક રાજેન્દ્રકુમાર શાહ (ઉંમર વર્ષ ૩૩)ની ધરપકડ કરી છે. પોલીસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ કબજે લીધા હતા.
ગંભીર અકસ્માત હોવા છતાં દોઢ કલાક પછી ટ્રાફિક એસીપી બી.બી ભગોરા ઘટના સ્થળે પહોચ્યા હતા.ટ્રાફિક પોલીસના નિયમ પ્રમાણે ઘટના બને અને તાત્કાલિક એસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોચવાનુ હતુ.છતાં એસીપી બીબી ભગોરા નિયમોને ગોળી ને પી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle