સિંદૂર માત્ર પતિનું રક્ષણ જ નહીં પરંતુ નકારાત્મક શક્તિઓને પણ રાખે છે દુર

Sindoor Astro: હિંદુ પૂજાવિધિમાં સિંદૂરનું જેને આપણે કંકુ પણ કહીએ છીએ. જેનું એક આગવું જ મહત્વ છે. સિંદૂર અત્યંત પવિત્ર અને મંગળકારી મનાય છે. સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્યની કામના સાથે સેંથામાં સિંદૂર લગાવે છે તો હનુમાનજી અને ગણેશજી જેવા દેવતાઓને સિંદૂર (Sindoor Astro) અર્પણ કરવાથી જીવનની મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓ પણ સુધરી જતી હોવાની માન્યતા છે.પણ શું તમે જાણો છો કે સિંદૂર સંબંધિત વિવિધ ઉપાયો અજમાવીને તમે વિવિધ પ્રકારના ફળની પ્રાપ્તિ કરી શકો છો? એટલું જ નહીં, સિંદૂરના પ્રયોગ દ્વારા તમે વિવિધ મનશાઓની પૂર્તિ પણ કરી શકો છો. આવો, આજે તે જ સંદર્ભે જાણીએ.

પદ, પ્રતિષ્ઠા અને સન્માન માટે
એક નાગરવેલનું પાન લો. તેના પર થોડી ફટકડી અને સિંદૂર મૂકી પાનને બાંધી લો. ત્યારબાદ બુધવારની સવારે કે સાંજે તેને પીપળાના ઝાડ નીચે મોટા પત્થર નીચે મૂકી દો. આ કાર્ય કરીને પાછળ વળીને જોવું નહીં. આ કાર્ય સતત 3 બુધવાર સુધી કરવાથી લાભની પ્રાપ્તિની માન્યતા છે.

દરવાજા પર સિંદૂરનકેમ સાથિયા કરવામાં આવે છે ?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરવાજા પર તેલ સાથે સિંદૂર મિક્સ કરીને લગાવવાથી ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થતો નથી. તેના દ્વારા ઘરમાં રહેલ વાસ્તુદોષ પણ નાશ પામે છે. તેના સિવાય એવી પણ માન્યતા છે કે દરવાજા પર સિંદૂર લગાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરના મુખ્ય દ્વાર પર સિંદૂર લગાવેલ ગણેશ પ્રતિમા લગાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી થાય છે.

આર્થિક તંગીથી મુક્તિ
જો તમે આર્થિક સંકડામણમાં સપડાયેલા હોવ તો એકાક્ષી નારિયેળ પર સિંદૂર લગાવીને તેને લાલ વસ્ત્રમાં બાંધીને પૂજા કરવી. મા લક્ષ્મીને પ્રાર્થના કરવી કે તે આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે. ત્યારબાદ આ નારિયેળને વ્યવસાયના સુરક્ષિત સ્થળ પર રાખી દો. તેના પ્રભાવથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગશે.

સૂર્ય-મંગળની શાંતિ હેતુ
જો સૂર્ય અને મંગળ ગ્રહની દશા કે મહાદશા ચાલી રહી હોય તો સિંદૂરને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. આ કાર્ય કરવાથી જે-તે ગ્રહ સંબંધિત સમસ્યાનો પ્રભાવ ઓછો થશે અને સૂર્ય તેમજ મંગળ આપને શુભ ફળ પ્રદાન કરશે.

પરીક્ષામાં સફળતા હેતુ
ગુરુપુષ્ય નક્ષત્ર યોગ કે શુક્લ પક્ષના પુષ્ય યોગમાં શ્રીગણેશજીના મંદિરમાં સિંદૂરનું દાન કરવું. આમ કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને મહેનત કરીને કોઈપણ પ્રકારની પરીક્ષામાં વધુ સારી સફળતા પ્રાપ્ત કરી શકાય છે.

નોકરી મેળવવા હેતુ
કોઈપણ માસના શુક્લ પક્ષના ગુરુવારે પીળા રંગનું વસ્ત્ર લો. આપની અનામિકા આંગળીનો ઉપયોગ કરી કેસર મિશ્રિત સિંદૂરથી તેના પર 63 નંબર લખો. પછી આ વસ્ત્રને માતા લક્ષ્મીના મંદિરમાં જઈને માતાજીના ચરણોમાં અર્પિત કરી દો. આ કાર્ય સતત 3 ગુરુવાર સુધી કરવાથી નોકરી સંબંધી કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થાય છે.

દુર્ઘટનાના ભયથી મુક્તિ મેળવવા
જે લોકોને વાહન અકસ્માત થવાનો સતત ભય રહેતો હોય અથવા તો વાહન અકસ્માતનો ભોગ બનવું પડતું હોય તો તેમણે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને સિંદૂરનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તરત જ દુર્ઘટના સાથે જોડાયેલ ભયમાંથી મુક્તિ મળે છે.

પતિ-પત્નીમાં પ્રેમ હેતુ
રાતના સમયે પત્નીએ તેના પતિના ઓશીકા નીચે સિંદૂરની એક પોટલી મૂકવી. તે જ રીતે પતિએ તેની પત્નીના ઓશીકા નીચે કપૂરની એક પોટલી મૂકવી. સવાર થતાં જ સિંદૂરની આ પોટલી ઘરથી દૂર કોઈ અવાવરી જગ્યા પર મૂકી દો અને કપૂરની પોટલીને રૂમમાંથી નીકાળીને પ્રજવલિત કરી દો. કહે છે કે તેનાથી પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુધરે છે અને સૂમેળ ભર્યા રહે છે.

ધન લાભ હેતુ
કાળી હળદરને સિંદૂર લગાવો અને ધૂપ આપીને લાલ વસ્ત્રમાં લપેટીને તેની સાથે કોઈપણ બે સિક્કા મૂકી એક બોક્સમાં મૂકી દો. આ કાર્ય કરવાથી ધનમાં વૃદ્ધિની સંભાવના વધી જશે. એક નારિયેળ પર સિંદૂર, નાડાછડી તથા બાસમતી ચોખા અર્પણ કરીને પૂજન કરો અને પછી હનુમાન મંદિરમાં જઈને તે વસ્તુ ચઢાવી દો. આ કાર્ય કરવાથી ચોક્કસથી ધન લાભની માન્યતા છે.