સ્માર્ટ મીટરની સ્માર્ટ ગોલમાલ: ભાડે રહેતા વ્યક્તિને ફટકારી દીધું 9.24 લાખનું વીજબીલ

Smart Meter: છેલ્લા થોડા દિવસથી ગુજરાતના અનેક શહેરોમાં સ્માર્ટ મીટર નાંખવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ આનો વિરોધ થઇ રહ્યો છે તો કેટલાક લોકો આ નિર્ણયને સારો ગણાવી રહ્યા છે. ત્યારે વડોદરામાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિને મસમોટું નવ લાખ(Smart Meter) રૂપિયાનું બિલ આવ્યુ છે. જોકે, આ વ્યકતિના મુદ્દો ધ્યાનમાં આવ્યા બાદ એમજીવીસીએલએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને નવા બિલનો એસએમએસ પણ મોકલી દેવામાં આવ્યો છે.

પરિવાર હેરાન પરેશાન
તમારા ઘરનું લાઈટ બિલ જો 9,24,254 રૂપિયા બાકી છે, તેવો મેસેજ આવે તો તમારી શું હાલત થાય? વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજય ધર સાથે આવું જ કંઇક બન્યું. સ્માર્ટ મીટરને લઇને હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્માર્ટ મીટરમાં એક સામાન્ય વ્યક્તિને MGVCL દ્વારા 9.24 લાખ રૂપિયા લાઈટ બિલ બાકી હોવાનો મેસેજ મોકલતા ચોંકી ઊઠ્યા છે. સામાન્ય રીતે તેમનું બિલ દર મહિને 2 હજારની આસપાસ આવે છે અને સ્માર્ટ મીટર લાગતા જ લાખ્ખો રૂપિયાનું બિલ બાકી હોવાનો મેસેજ આવ્યો છે. જેને લઇને આ પરિવાર હેરાન પરેશાન છે. આ મામલે યોગ્ય કાર્યવાહીની માગ કરી રહ્યો છે.

ગ્રાહકનું શું કહેવું હતુ?
શહેરના ગોરવા વિસ્તારના રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા મૃત્યુંજય નામના વ્યક્તિએ MGVCLપર મોટો આક્ષેપ કર્યો છે. તેમણે મોબાઈલમાં બિલની કોપી બતાવી દાવો કર્યો છે કે, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 9 લાખ 24 હજાર રૂપિયાનુ બિલ આવ્યું છે. આ બિલ જોઇને તે પોતે પણ અચરજમાં મુકાઇ ગયા હતા. આ અંગે તેમણે જણાવ્યુ છે કે, સામાન્ય રીતે દર બે મહિને મારા ઘરનું ઇલેક્ટ્રિક બિલ 1500થી બે હજાર રૂપિયા આવતું હોય છે. પરંતુ આ વખતે સ્માર્ટ મિટર લગાવ્યા બાદ મને મેસેજ આવ્યો કે, મારું બિલ 9,24,254 રુપિયા બિલ આવ્યુ છે.

MGVCL એ સ્વીકારી ભૂલ
MGVCLના MD, તેજસ પરમારે ન્યૂઝ18 ગુજરાતી સાથે આ અંગે વાત કરી હતી જેમા તેમણે જણાવ્યુ હતુ કે, નવા મીટર જ્યારે લગાવવામાં આવે છે ત્યારે જુના બિલનું રિડિંગ તેમા જોડવામાં આવે છે. આમાં એક કેસમાં ધ્યાનમાં આવ્યુ છે કે, મિટર રિંડીંગમાં ભૂલ થઇ છે. જે ભૂલને કારણે ખોટી ગણતરી થઇ છે અને એને સુધારવામાં આવી છે. આ ગ્રાહકનું બિલ માઇનસમાં છે જે તાત્કાલિક સુધારીને ગ્રાહકને એસએમએસ મોકલી દેવામાં આવશે. આ માનવીય ભૂલ છે. આ સ્માર્ટ મીટરને કારણે બિલ વધારે આવ્યુ છે તેમ નથી પરંતુ ડેટા એન્ટ્રીમાં જે માનવીય ભૂલ થઇ છે તેના કારણે આ થયુ છે. જે સુધારી લેવામાં આવ્યુ છે.

MGVCLનો છબરડો
અવારનવાર MGVCL દ્વારા લોકોને આવા લાખ્ખો રૂપિયાના બિલ મોકલીને છબરડાઓ કરવામાં આવતા હોય છે. ત્યારે સ્માર્ટ મીટરમાં પણ આ પ્રકારનો છબરડો સામે આવ્યો છે. જો કે, આવા છબરડાના કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે.

સ્માર્ટ મીટરનો મામલો હાઇકોર્ટમાં
સ્માર્ટ મીટરના વિરોધનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સ્માર્ટ વીજ મીટરો પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે વડોદરા શહેરમાં ફીટ કરાયા હતા. જેની સામે ભારે વિરોધ થયો હતો. જે પછી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ સ્માર્ટ મીટરને લઇને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે વીજ કંપનીઓને કહેવું પડ્યુ છે કે, જો વીજ વપરાશકાર ઈચ્છે તો વીજ કંપની સ્માર્ટ વીજ મીટરની સાથોસાથે તેની બાજુમાં જ સાદું મીટર પણ લાગવીને મીટરોમાં થતા વીજ-વપરાશની સરખામણી કરી આપશે. એવી પણ દલીલ લથઈ રહી છે કે, આ બંને મીટરોમાં કોઈ મોટો તફાવત નથી.