હિમવર્ષા-તોફાન-વરસાદની આગાહી! અહીંયાં પડશે કાતિલ ઠંડી, જાણો તમારા શહેરનું તાપમાન

Gujarat Cold Forecast: કાશ્મીરમાં આ સિઝનની સૌથી ભારે હિમવર્ષાને કારણે જનજીવન ખોરવાયું હતું. શ્રીનગર-લેહ હાઇવે બંધ કરી દેવાયો હતો. ઉત્તરાખંડમાં હિમવર્ષા અને વરસાદને કારણે પારો ઘણો નીચે સરક્યો હતો. ગુજરાતમાં ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનો (Gujarat Cold Forecast) ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો છે. તો બીજી બાજુ આબુમાં ઠંડીનો પારો માઈનસ ચાર ડિગ્રી પહોંચી ગયો છે. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

બે દિવસમાં નલિયામાં 5 ડિગ્રી તાપમાન ઘટ્યું
ગુજરાતના વાતાવરણમાંથી વાદળો હટતાં જ ફરીથી ઠંડી પડવાનું શરુ થઈ ગયું છે. બીજી તરફ કાશ્મિરમાં સિઝનની પહેલી હીમ વર્ષા થવાના કારણે તેની અસર ગુજરાત ઉપર પણ પડી રહી છે. ગુજરાતમાં ઠંડા પવાનો ફૂંકાઈ રહ્યા છે. જેના પગલે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં બે દિવસમાં 4-5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે બે દિવસમાં નલિયામાં પાંચ ડિગ્રી તાપમાન ઘટીને 5.6 ડિગ્રી પહોંચી ગયું છે. ગુજરાતમાં 5.6 ડિગ્રીથી લઈને 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં 5.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે દમણમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે કેઈ આ આગાહી
હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આ ઉપરાંત કોઈપણ જિલ્લામાં કોલ્ડવેવની શક્યતા નથી. ગુજરાત પર હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા બર્ફિલા પવનો આવી રહ્યા છે, તેની દિશા આગામી દિવસોમાં બદલાઈને પૂર્વ તરફથી આવવાની સંભાવના છે. આગામી અઠવાડિયામાં ઠંડી વધવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવાની સંભાવના છે.

મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો
રવિવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં દિવસ દરમિયાન વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. જેને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. તથા લઘુત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. જેથી ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. આજે અમદાવાદ શહેરમાં 14 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યનું તાપમાન
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદમાં 15, વડોદરામાં 17.8, ભાવનગરમાં 14.5, ભુજમાં 10.4, ડીસામાં 13, ગાંધીનગરમાં 14, દ્વારકામાં 14.4, જામનગરમાં 14.9, નલિયામાં 5.6, રાજકોટમાં 9.3, સુરતમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.