વરસાદ આવશે તો ટીમ ઇન્ડિયા પહોંચી જશે સીધી ફાઈનલમાં? જાણો રિઝર્વ ડેના નિયમથી લઇને તમામ જાણકારી

T20 World Cup 2024 Semi final: T20 વર્લ્ડ કપ 2024ની સેમી ફાઈનલ મેચો નક્કી થઈ ગઈ છે. પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામસામે ટકરાશે. બીજી સેમિફાઇનલ મેચમાં ભારત સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડનો પડકાર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ(T20 World Cup 2024 Semi final) વેસ્ટ ઈન્ડિઝના ગયાના સ્થિત પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.

આ વિષય ચર્ચાનું કારણ બની ગયો છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ એસોસિએશન (ICC) એ બીજી સેમિફાઇનલ માટે કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી. આવી સ્થિતિમાં, તમે અહીં જાણી શકો છો કે ભારત-ઇંગ્લેન્ડની મેચ વરસાદના પડછાયા હેઠળ થવાની છે કે નહીં. એ પણ જાણો જો મેચમાં વરસાદ પડે તો શું થશે?

ભારત-ઈંગ્લેન્ડ મેચ પર વરસાદ રહેશે?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ 27 જૂને વેસ્ટ ઈન્ડિઝના સમય મુજબ સવારે 10:30 વાગ્યે રમાશે. જો આપણે હવામાનની સ્થિતિ પર નજર કરીએ, તો ગુયાનામાં આવતા સપ્તાહ દરમિયાન ભારે વરસાદની અપેક્ષા છે. ભારત-ઈંગ્લેન્ડની મેચ ગુરુવારે રમાવાની છે અને આ દિવસે પણ ગયાનામાં ભારે વરસાદની આગાહી છે. હવામાનની આગાહી કરતી એજન્સી અનુસાર, ગયાના જૂન મહિનામાં પાણીમાં તરબોળ રહે છે. આ વિસ્તારમાં મહિનાના 30માંથી સરેરાશ 23 દિવસ સતત વરસાદ ચાલુ રહે છે. આ સમાચાર સંકેત આપી રહ્યા છે કે બીજી સેમી ફાઈનલ મેચ પણ વરસાદને કારણે રદ્દ થઈ શકે છે.

27 જૂને કેવું રહેશે હવામાન?
વેસ્ટ ઈન્ડિઝના ગયાનામાં 27 જૂને 75 ટકા વરસાદની શક્યતા છે. જો કે મેચ રમાય તે સમયે હવામાન સારું રહેવાની ધારણા છે, પરંતુ જો મેચ શરૂ થાય તે પહેલા વરસાદ પડે તો મેદાન ભીનું હોવાને કારણે રમત શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. ગયાનામાં સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વરસાદની 35-68 ટકા શક્યતા છે.

જો મેચ રદ થાય તો શું?
ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા, ICC એ જાહેરાત કરી હતી કે તે જ દિવસે બીજી સેમિફાઇનલ યોજવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવશે અને આ પ્રયાસમાં બીજી સેમિફાઇનલ મેચમાં 250 મિનિટનો વધારાનો સમય ઉમેરવામાં આવ્યો હતો. જો કોઈ કારણસર મેચ રદ્દ થશે તો પણ ભારત ફાઇનલમાં પ્રવેશ કરશે. એક પણ મેચ રમ્યા વિના અને જીત નોંધાવ્યા વિના પણ, ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં સ્થાન આપવામાં આવશે કારણ કે તેણે સુપર-8માં ઇંગ્લેન્ડ કરતાં વધુ પોઇન્ટ મેળવ્યા હતા.