વારાણસીમાં ભાજપનાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ સમાજવાદી પાર્ટી – બસપા ગઠબંધને પોતાનો ઉમેદવાર બદલી દીધો છે. શાલિની યાદવની ટિકિટ કાપીને મહાગઠબંધને BSFના પૂર્વ જવાન તેજ બહાદુરને પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. તેજ બહાદુર હવે મોદીને બનારસમાં ટક્કર આપશે. તેજ બહાદુરે જવાનોને આપવામાં આવતા ખાવાની ગુણવત્તાને લઈને ફરિયાદ કરી હતી જે બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેઓએ એક વીડિયો પણ જાહેર કર્યો હતો. તેજ બહાદુરે પહેલાં જ વારાણસીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ પહેલાં સપાએ આ સીટ પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્યામલાલ યાદવના પુત્રવધૂ શાલિની યાદવને ઉમેદવાર બનાવ્યા હતા. શાલિની ઉમેદવારી ફોર્મ પણ ભરી ચુકી હતી. કોંગ્રેસે વારાણસી બેઠક પરથી બીજી વખત અજય રાયને ટિકિટ આપી છે.
આ પહેલા સપાના પ્રદેશ પ્રવક્તા મનોજ રાય ધૂપચંડી તેજ બહાદુર યાદવની સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તેમણે દાવો કર્યો કે તેજ બહાદુર પાર્ટીના ઉમેદવાર હશે. તેમણે કહ્યું, શાલિની યાદવ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત લેશે. સોશિયલ મીડિયામાં આ વાત વાયુવેગે પ્રસરતા લોકો અસલી ચોકીદાર સામે નકલી ચોકીદાર ચૂંટણી લડશે તેવું લખી રહ્યા છે.