સુરત(Surat): આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને આજનું યુવાધન નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતુ થઈ ગયું છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, સચિન (Sachin)માં રહેતા ધોરણ 10ના વિદ્યાર્થીએ ઘરમાં પંખા સાથે રૂમાલ વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. વાત માત્ર એટલી હતી કે, વિદ્યાર્થીને તેના પિતાએ મોબાઈલમાં ગેમ(Mobile game) રમવા બાબતે ઠપકો આપ્યો હતો અને મોબાઈલ લઈ લીધો હતો. આ બાબતે માઠુ લાગી આવ્યું હતું અને મંગળવારે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
વાસ્તવમાં, પ્રકાશભાઈ દેવૈયા તેમના પરિવાર સાથે હાલ સચિનની શિલાલેખ સોસાયટીમાં રહે છે. તેઓ મૂળ બોટાદના વાતની છે. મળતી માહિતી અનુસાર, પ્રકાશભાઈ મીનરલ વોટર સપ્લાય કરવાનું કામ કરે છે. તેમનો ૧૫ વર્ષીય પુત્ર પ્રિન્સ બારડોલીની સ્કુલમાં અભ્યાસ કરતો હતો અને ધોરણ ૧૦ની પરિક્ષા આપી હતી. હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો પ્રિન્સ વેકેશનમાં માતા-પિતા પાસે આવ્યો હતો. પ્રિન્સ મોબાઈલ ફોનમાં સતત ગેમ રમતો હતો. જેના કારણે પિતા પ્રકાશભાઈએ તેને ગેમ રમવાની ના પાડી તેની પાસેથી મોબાઈલ ફોન લઈ લીધો હતો અને ગેમ રમવા બાબતે ઠપકો પણ આપ્યો હતો.
માત્ર આટલી જ બાબતનું પ્રિન્સને માઠુ લાગ્યું હતું. જેથી મંગળવારે સાંજે પ્રિન્સે પોતાના ઘરમાં પંખા સાથે રૂમાલ વડે ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ પરિવારને થતા તેને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા સચીન પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પિતાએ મોબાઈલ ફોનમાં ગેમ રમવા બાબતે ઠપકો આપી મોબાઈલ લઈ લેતા તે બાબતે માઠુ લાગી આવવાના કારણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દેવૈયા પરિવારે મૃતક પ્રિન્સની આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો અને તેની બન્ને આંખો ચક્ષુબેન્કને દાનમાં આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.