વડોદરા(Vadodara): શહેરનો સમા(Sama) વિસ્તારની જય યોગેશ્વર સોસાયટીમાં એક આલીશાન ઘરની અંદર રહેતા દંપતીની આંખોમાંથી આંસુ રોકાતા નથી. માતા-પિતાના મનમાં એક જ વાતની પીડા છે કે તેના વહાલસોયા દીકરાએ યુવાનીના ઉંબરે આવીને જીવન(Suicide)નો અંત આણી લીધો. જેને કારણે આઘાત અને ડૂમો એટલો ઊંડો લાગ્યો છે કે માતા-પિતાના મુખમાંથી શબ્દો પણ નથી નીકળી રહ્યા. કારણ કે, તેના વહાલસોયા દીકરાએ અમદાવાદના એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદીને જિંદગીનું અંતિમ પગલું ભર્યું હતું. માત્ર એટલું જ નહીં દીકરાએ પોતાના અંતિમ શબ્દોમાં તેણે લખ્યું હતું કે, ‘હું એક નિષ્ફળ સંતાન છું’…
સમગ્ર ઘટના અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ વડોદરાનો વતની અને હાલ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીની આર્કિટેક ફેકલ્ટીમાં ભણતા વિદ્યાર્થી શિવ મહેન્દ્રભાઇ મિસ્ત્રીએ તારીખ 25 એપ્રિલના રોજ રાત્રે 12 વાગ્યે અમદાવાદમાં આવેલા ધ્રુવીને એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદકો મારી આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ મૃતદેહ અમદાવાદથી વડોદરા આવ્યા બાદ પરિવાર દ્વરા તેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસને માહિતી મળતાં પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને જેમાં યુવકની સુસાઇડ નોટ પણ મળી આવી હતી. સુસાઇડ નોટનો એક એક શબ્દ તેની મનોવ્યથાને વ્યક્ત કરી રહ્યો હતો. દીકરાની પીડા અને તેની માનસિક સ્થિતિનો ચિતાર આ સુસાઇડ નોટમાં જોવા મળતો હતો.
આ સુસાઇડ નોટમાં અમુક અંશ અહી રજુ કરવામાં આવે છે. જેમાં શિવે લખતા કહ્યું હતું કે, હું વિચારતો હતો કે જીવનનો અર્થ પૈસો કે ભૌતિક ચીજવસ્તુ જ નથી. આ જ કારણ છે કે, હું તેવું કરવા માગતો ન હતો. સેપ્ટમાં પાછા આવવાનો મારો જ નિર્ણય હતો.
વધુમાં તેમણે ઉમેરતા કહ્યું છે કે, કારણ કે હું આર્કિટેક્ટ બનવા માગતો હતો, પણ પાછું વળીને જોઉં છું તો એવું લાગે છે કે, ઘરેથી છૂટા પડેલા એક બાળકની જેમ આ એક તર્કહીન નિર્ણય હતો. એવું ઘર જે તેણે ઘણાં કારણોને લીધે છોડ્યું હતું. હું એક એવું બાળક છું, જેને ઘરમાં એવી લાગણી થાય છે કે, તે તેનાં માતાપિતાની નજરમાં એક નિષ્ફળ સંતાન છે.
વધુમાં તેણે જણાવતા કહ્યું હતું કે, ઘરના વર્કશોપમાં વર્ષો સુધી કામ કર્યા પછી તેનામાં ગુસ્સો અને નિરાશા છે. ઘરમાં સતત ચાલતા ઝઘડાને કારણે ઊભા થયેલા માહોલનો કોઈ ઉકેલ આવે તે માટે મેં જીવનનું અંતિમ પગલું ભર્યું છે. હું પોતાનો અલગ રસ્તો બનાવવા માગતો હતો. તમે મને મારી રીતે વર્કશોપમાં કામ કરવા દીધું હોત તો આ શક્ય બની શકત. ત્યાં હું હંમેશાં ભાઈની અવેજીમાં હોઉં તેવું લાગતું હતું.
વધુમાં ઉમેરતા કહ્યું કે, મેં સેપ્ટમાં આટલા પૈસા ખર્ચ્યા પછી મારું પોતાનું અલગ કરવા તમારી પાસે પૈસા માગતા ડર લાગતો હતો. હું જે કરવા માગતો હતો તે ન થઈ શક્યું. જેથી આ મારી રીતે કરી રહ્યો છું. મને માફ કરજો મારો તમને જવાબદાર ઠેરવવાનો ઈરાદો નથી. તમે મારા માટે જે કર્યું તેના માટે હું આભારી છું. થેંક્યુ યુ મોમ એન્ડ ડેડ. આઈ લવ યુ.
1 વર્ષની અંદર 8 હજાર આત્મહત્યા:
અમદાવાદના જાણીતા કી ટુ હેપીનેશ ફાઉન્ડેશન સાયકોલોજિસ્ટ & થેરાપીસ્ટ ડો.કુંજ વિહારીએ જણાવતા કહ્યું હતું કે, 1 વર્ષની અંદર 8 હજાર જેટલા વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા સામે આવ્યા છે. આ ગંભીર કિસ્સામાં સ્ટડીનું પ્રેશર, પેરેન્ટલ પ્રેશર, એવા કોઈ મિત્ર મળી ગયા હોય, ઘરમાં અપેક્ષાઓ ઊંચી હોય, ન ગમતા વિષયમાં ધકેલી દેવામાં આવ્યા હોય, પૈસાની અછતના કારણે પગલું ભરવામાં આવ્યું હોય, સંગતની અસર, પ્રેમસંબંધના કારણે આત્મહત્યા કરી લે છે. આ કિસ્સામાં પારિવારિક ઝઘડો મૂળભૂત કારણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.