દેશની એકતા અને અખંડીતતાનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ તા.૩૧મી ઓકટોબરે સામાન્ય રીતે જાહેર રજા હોવાના કારણે શાળા-કોલેજો નહીં પરંતુ સરકારી કચેરીઓ પણ બંધ હોય છે. પરંતુ આ વખતે વિશેષ ઉજવણીને લઇને સરકારી શાળાઓ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવનાર છે. આ માટે આગામી દિવસમાં પરિપત્ર પણ બહાર પાડવામાં આવશે. જેમાં એક કલાક માટે સ્કુલો ચાલુ રાખવા આચાર્યોને ફરમાન કરવામાં આવશે.
દેશની એકતા અને અખંડીતા માટે પોતાનું જીવન કુરબાન કરનાર લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના નામે હવે તો રાજકારણ ખેલાઇ રહ્યું છે. ત્યારે નર્મદા ડેમ ખાતે સરદાર સાહેબનું વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા માટે આગામી તા.૩૧ ઓકટોબરને સરદાર પટેલ જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવવાના છે.
ત્યારે સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો રાજ્ય સરકારે રાખ્યાં છે. જે અંતર્ગત હાલ એકતા રથયાત્રા ગામે ગામ અને શહેરમાં પણ ફરી રહ્યો છે. શાળાઓમાં ચિત્ર, વક્તૃત્વ સહિત અન્ય સ્પર્ધાઓ યોજાઇ રહી છે. આ ઉપરાંત રન ફોર યુનિટી પણ બુધવારે દરેક શહેરોમાં યોજાશે.
ત્યારે હવે આ દિવસે જાહેર રજા હોવા છતાં સરકાર શાળાઓ ચાલુ રાખવાનું વિચારી રહી છે. જો કે આ બાબતે હજુ સુધી કોઇ લેખિતમાં સુચના જિલ્લાકક્ષાએ પહોંચી નથી. પરંતુ આગામી દિવસોમાં આ અંગે સરકાર તરફથી પરિપત્ર બહાર પાડવામાં આવશે.
સરદાર પટેલની જન્મ જયંતિએ જાહેર રજા હોવા છતાં શાળા – કોલેજો ચાલુ રાખવા માટેનું ફરમાન કરવામાં આવશે. તા.૩૧ ઓકટોબરે બુધવારે જાહેર રજા હોવા છતાં દિવસે એક કલાક પુરતી શાળાઓ ચાલુ રાખવામાં આવશે આ અંગે આગામી દિવસોમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આચાર્યોને લેખિતમાં આદેશ પણ કરશે.
રજાના દિવસે શાળાઓ ચાલુ રાખવાના સરકારના આ નિર્ણયની શિક્ષણજગતમાં ટીકા થઇ રહી છે. એટલું જ નહીં સરકારના દરેક કામમાં આગળ ઉભા રહેતાં શિક્ષકોની રજા રદ કરવાના કારણે શિક્ષકોમાં પણ રોષ ફેલાયો છે. તો વિદ્યાર્થીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે.