‘આવતા 25 વર્ષ ભાજપને જ વોટ આપશું’ – શાળાના બાળકો પાસે લેવડાવ્યા શપથ, વિડીયો થયો વાયરલ

ઝાલાવાડની એક સ્કૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ શાળામાં બાળકો 25 વર્ષ સુધી ભાજપને મત આપવાના શપથ લેતા હતા. વીડિયો વાયરલ થયા બાદ સરકારી શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મામલો ઝાલાવાડના મહારાજપુરાની એક સરકારી શાળાનો છે. 9 ડિસેમ્બરે ભાજપ દ્વારા શાળામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાળકો સાથે આ શપથ લેવામાં આવ્યા હતા.

કોંગ્રેસ સરકારને ઉથલાવવાનો સંકલ્પ!
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભાજપના કાર્યકરો સાથે ઘણા બાળકો જમીન પર બેઠેલા જોવા મળે છે. વીડિયોમાં કહેવાયું છે કે, “ચાલો 25 વર્ષથી રાશન ન આપતી સરકારને જડમૂળથી ઉખેડી નાખવાનો સંકલ્પ લઈએ. અને 25 વર્ષ સુધી ભાજપને મત આપતા રહીશું.”

આ બેઠકમાં મનોહરથાના ભાજપના ધારાસભ્ય ગોવિંદ રાનીપુરિયાએ પણ ભાગ લીધો હતો. શાળા તેમના મતવિસ્તારમાં છે. ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિનેશ મંગલે આ શપથ લેવડાવ્યા હતા. વાસ્તવમાં, રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ હાલમાં રાજસ્થાનમાં છે. રાજસ્થાન ભાજપ પણ ગહેલોત સરકાર વિરુદ્ધ છેલ્લા 5 દિવસથી રાજ્યમાં ‘જન આક્રોશ યાત્રા’ કાઢી રહી છે.

‘શાળા છૂટ્યા બાદ થયો કાર્યક્રમ’
પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાના આદેશમાં જિલ્લા શિક્ષણાધિકારીએ લખ્યું છે કે, રાજ્ય સરકાર વિરુદ્ધ જાહેર વિરોધ રેલીનું આયોજન શાળા પરિસરમાં કરવામાં આવ્યું હતું, જેના કારણે શિક્ષણ વિભાગની છબી ખરડાઈ છે. આચાર્યની પણ બેદરકારી છે તેથી તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જોકે, સસ્પેન્ડ થયા બાદ પ્રિન્સિપાલ સીતારામ મીણાએ દાવો કર્યો હતો કે શાળાની રજાઓ બાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ પ્રિન્સિપાલે કહ્યું કે, તેઓ શાળામાંથી પાછા ગયા હતા અને વિદ્યાર્થીઓને ત્યાં કોણે બોલાવ્યા તેની તેમને ખબર નથી.

બીજી તરફ બ્લોક એજ્યુકેશન ઓફિસર વીરેન્દ્ર સિંહે કહ્યું કે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગામમાં એક ટીમ મોકલવામાં આવી છે. ટીમ બાળકો અને ગ્રામજનો સાથે વાત કરીને રિપોર્ટ તૈયાર કરશે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

બાળકો વચ્ચે આ કાર્યક્રમ યોજવા બદલ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કૈલાશ મીણાએ જણાવ્યું હતું કે, ભાજપની જન આક્રોશ યાત્રાને લોકોનો સાથ નથી મળી રહ્યો તેથી હવે તે શાળાના બાળકોને પણ છોડતી નથી. તેમણે કહ્યું કે ભાજપના લોકોએ ‘શિક્ષણ મંદિર’નો દુરુપયોગ કર્યો છે, આ બધું તેમના ધારાસભ્યની હાજરીમાં થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *