સુરત: કારે મોપેડને અડફેટે લેતાં યુવક અને તેની મંગેતરનું મોત

Surat Accident: માંડવીના પુના ગામ પાસે પૂરઝડપે આવી રહેલી કારની અડફેટે ખેતર પર ચક્કર મારવા જઈ રહેલા યુવક અને તેની મંગેતર ચડ્યા હતા. ટક્કર બાદ ગંભીર ઈજાના (Surat Accident) કારણે બંનેના મોત થયા હતા. ઘટનાને પગલે ગામમાં શોક વ્યાપી ગયો છે. માંડવી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પુના ગામ પાસે હિટ એન્ડ રન
સુરત જિલ્લામાં પૂર ઝડપે દોડી રહેલા વાહનો સતત અકસ્માત નોંતરી રહ્યા છે. આવા કાળમુખા વાહનો નિર્દોષ લોકોને અડફેટે લઈને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. ત્યારે વધુ એક બેલગામ બનેલા વાહને બે પરિવારનો માળો વીંખી નાખ્યો છે.

યુવક અને તેની મંગેતરને અડફેટે લીધા
સુરત જિલ્લાના માંડવી તાલુકાના પૂના ગામની સીમમાં પસાર થતા કીમ માંડવી સ્ટેટ હાઈવે પર વીરસીંગભાઈ વસાભાઈ વસાવાનો દીકરો સુમિત વસાવા અને તેની મંગેતર દીપિકા વસાવા GJ 19 BD 4320 નંબરની મોપેડ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી ફુલ સ્પીડમાં GJ 19 BE 1519 નંબરની વેગનઆર કાર આવી અને બન્નેને ઉડાડ્યા હતા. ધડાકાભેર ટક્કરના કારણે બન્ને રોડ પર પટકાયા હતા.

યુવક અને યુવતીનું ઘટનાસ્થળે મોત
આ અકસ્માતમાં સુમિત વસાવાને જમણા હાથ, પગના ભાગે તેમજ મોઢા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે દીપિકા વસાવાને માથાના ભાગે તેમજ ડાબા પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. આમ ગંભીર ઇજા થતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે માંડવી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. માંડવી પોલીસે મૃતકોના પરિવારને ઘટનાની જાણ કરી હતી. અકસ્માતના સમાચાર સાંભળી યુવક અને યુવતીનો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.