હાલમાં કોરોનાએ સુરતમાં ફરી વિકટ સંજોગો ઉભા કર્યા છે. પ્રત્યેક શહેરીજને પોતાનું કોઇ અંગત સ્વજન ગુમાવ્યું છે. કોઇએ માતા-પિતા તો કોઇએ પોતાના ભાઇ-બહેન ગુમાવ્યા છે. ઘણાએ યારોના યાર એવા મિત્રનો પણ સાથ ગુમાવ્યો છે. સ્મશાનમાં એક ચિતા ઠંડી પડી નથી ત્યાં બીજાને અગ્નિદાહ અપાઇ રહ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ આ વિકટ પરિસ્થિતિ વચ્ચે પાલ કૈલાસ મોક્ષધામ સ્મશાનગૃહ ખાતે એક યુવાન પૌત્રને એક કલાકમાં બીજી વખત અગ્નિસંસ્કાર કરતો જોઇ અજંપો છવાઇ ગયો હતો. સ્મશાનમાં દાદાને મુખાગ્નિ આપી પૌત્ર દાદીનો મતૃદેહ લેવા નીકળ્યો હતો. દાદીની ડેડબોડી લઇને ફરી સ્મશાન પહોંચતા ઉપસ્થિત સૌ કોઇના રૂંવાડા ઊભા થઇ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
કોરોનાએ શહેરમાં અકલ્પનીય અરાજકતા ઊભી કરી છે. હોસ્પિટલમાં બેડ ખૂટે છે અને સ્મશાનભૂમિમાં લાઇન લાગી છે. કોણ કોને સાચવે અને સંભાળે તેવી આ કપરી સ્થિતિ વચ્ચે સ્મશાનભૂમિમાં મૃતદેહના અંતિમસંસ્કાર સાથે શોકનો માહોલ છવાઇ રહ્યો છે. 14 વર્ષ બાદ ફરી એક વખત બે દિવસ પહેલા શરૂ થયેલા પાલના કૈલાસ મોક્ષધામમાં રવિવારે સ્વજનને અગ્નિદાહ આપવા આવેલા અનેક લોકો પણ જીવનમાં અગાઉ ક્યારેય નહીં જોયેલા અને જાણેલા દુઃખદ પ્રસંગના સાક્ષી બન્યા હતા.
બન્યું એવું કે, રવિવારે રાતે બે થી ત્રણ યુવાનો કોરોનાથી મૃત્યુ પામેલા એક સ્વજનની ડેડબોડી લઈને અંતિમસંસ્કાર માટે સ્મશાનભૂમિ આવ્યા હતા. શબસૈયા તૈયાર થતાં સ્વજનને મુખાગ્નિ આપી તરત રવાના થયા હતા. એક કલાકનો સમય વીત્યો હશે ત્યાં તેઓ ફરી સ્મશાનભૂમિમાં બીજો મૃતદેહ લઇ પરત ફર્યા હતા.
એક જ વ્યક્તિને ટૂંક સમયમાં બીજી વખત મૃતદેહ લઇને આવતો જોઇ અનેક લોકો આશ્ચર્ય પામ્યા હતા. યુવાન પાસે જઇને કહેવા માટે કોઇ શબ્દ ન હતા કે નહીં હતી પૂછવાની કંઇ હિંમત! આખરે સ્મશાનભૂમિના સ્વયંસેવકો યુવાન પાસે ગયા અને તેની આપવીતી જાણી હતી. યુવાનના મોઢેથી સાંભળેલા શબ્દો જાણી તેઓ પણ ઠંડા પડી ગયા હતા.
એક જ દિવસે પોતાના બે સ્વજન ગુમાવનારા યુવાને કહ્યું કે, ‘એક કલાક અગાઉ જેમને અગ્નિદાહ આપ્યો તે મારા દાદા હતા જ્યારે બીજી ડેડબોડી જેમની લઇને આવ્યો છું તે મારા દાદી છે. દાદાને મુખાગ્નિ આપી હું દાદીની ડેડબોડી લેવા ગયો હતો.’ કોરોનામાં એકસાથે એક જ દિવસે બે અંગત સ્વજન ગુમાવનારા યુવાન પૌત્રના મોઢેથી આ બે લાઇન સાંભળ્યા બાદ જાણે શોકનો માહોલ છવાઇ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.