પાલિકાના પાપે બાળકને મોતના મુખમાં ધકેલ્યું? ગટરમાં પડેલા માસૂમનો 19 કલાક બાદ પણ પત્તો નહીં

Surat Child Rescue: શહેરના વરિયાવ વિસ્તારમાં 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ તો ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ કરી (Surat Child Rescue) રહી હોવા છતાં હજુ સુધી બાળકની કોઈ ભાળ નથી મળી. જેના પગલે બાળકના પરિવારજનો ચિંતિત જોવા મળી રહ્યાં છે.

ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં પડ્યો 2 વર્ષીય બાળક
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ન્યુ કતારગામ સ્થિત સમુન સાધના આવાસમાં રહેતો કેદાર વેગડ નામનો બે વર્ષનો બાળક તેની માતા સાથે વરિયાવ વિસ્તારમાં ભરાયેલી બુધવારીમાં આવ્યા હતા. આ દરમિયાન સાંજે સાડા 5 વાગ્યાની આસપાસ કેદાર આઈસ્ક્રીમ ખાવા જતો હતો, ત્યારે 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં પડી ગયો હતો.

ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી
આ બાબતની જાણ થતાં ફાયર વિભાગ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમ છેલ્લા ઘણા સમયથી 500 મીટરના એરિયામાં ગટરમાં ઉતરીને શોધખોળ કરવા છતાં હજુ સુધી બાળકની કોઈ ભાળ મળી નહતી.

સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો
બીજી તરફ આ બનાવની જાણ થતાં કતારગામ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેઓ સ્થાનિક લોકોના રોષનો ભોગ બન્યા હતા. નરેન્દ્ર પાંડવે જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવાની વાત કરી હતી.