સુરતમાં 130ની ઝડપે કાર ડિવાઈડર કૂદી 5 વાહન લીધા અડફટે, બે સગા ભાઈઓનાં મોત

Surat Hit and Run: ગુજરાતના સુરતમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે (7 ફેબ્રુઆરી) મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર (Surat Hit and Run) ડિવાઈડર કૂદાવીને એક બાદ એક છ વાહનોને અડફેટે લીધા હતાં. અકસ્માતમાં બે સગા ભાઈના મોતની ખબર સામે આવી રહી છે. જોકે, અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

શું હતી સમગ્ર ઘટના?
સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર શુક્રવારે (8 ફેબ્રુઆરી) મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. બાદમાં પૂરપાટ ઝડપે આવતી આ ગાડી ડિવાઈડર કૂદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી.

આ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અડફેટે લીધા હતાં. જેમાં બે સગા ભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. સમગ્ર મામલે આસપાસના લોકોએ એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

સુરતમાં ભયાનક અકસ્માત
મળતી માહિતી મુજબ, આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીના આગળના ભાગ આખો તૂટી યો હતો. આ સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તેનો પણ ભૂકો બોલાઈ ગયો હતો. ગાડીનો નંબર GJ 05-RF-0317 નોંધવામાં આવ્યો હતો.

મૃતકોના નામ
42 વર્ષીય કમલેશ બાલુભાઈ સાપોલિયા
48 વર્ષીય અશ્વિનભાઈ બાલુભાઇ સાપોલિયા

ઇજાગ્રસ્તોના નામ
ધર્મેશભાઈ બાલાભાઈ જાસોલીયા
ધર્મીષ્ટાબેન
યજ્ઞ
જયેશભાઈ ઠુંમર

આરોપીનું નામ
મનોજકુમાર કાળુભાઈ ડાંખરા (પિતા)
કિર્તન ડાંખરા (પુત્ર )

કાર ચાલક થયો ફરાર, પોલીસે હાથ ધરી તપાસ
નોંધનીય છે કે, અકસ્માત દરમિયાન ગાડીમાં ચાર લોકો સવાર હતાં. જેમાંથી એક શખસને સ્થાનિકોએ ત્યારે જ પકડી લીધો હતો. જોકે, કાર ચાલક સહિત અન્ય બે ફરાર થઈ ગયાં હતાં. બાદમાં સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસને જાણ કરી આ શખસને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. હાલ, સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.