સુરત| હું સફળ થવા માટે જાઉ છું, દસ વર્ષ બાદ પરત આવીશ કહીને ભેદી રીતે ગુમ થયેલા 2 બાળકોનો પત્તો લાગ્યો- જાણો વિગતવાર

Surat News: સુરતમાં ‘હું સફળ થવા માટે ઘરેથી જાઉ છું, દસ વર્ષ બાદ પરત આવીશ મને શોધતા નહીં’ તેવી ચિઠ્ઠી લખી ધોરણ-9ના બે વિદ્યાર્થી(Surat News) મિત્રો ભેદી રીતે ગુમ થયા હતા. તેમાં આખરે પોલીસની મેહનત રંગ લાવી છે.જેમાં 200થી વધારે CCTV પોલીસે ચેક કરી બંને બાળકોને હેમખેમ પરત લાવ્યા છે. પોલીસે બંનેની હાથ ધરેલી પૂછપરછમાં જણાવ્યું હતું કે, અભ્યાસમાં મન લાગતું ન હોવાથી નોકરી-ધંધો કરી સફળ થવા માંગતા હતા.ત્યારે બાળકો સહીસલામત મળી આવતા પરિવારને હાશકારો થયો હતો.

ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા ફરિયાદ દાખલ કરી હતી
પાલ વિસ્તારમાં રહેતો 14 વર્ષીય જેનીલ અને રાંદેર વિસ્તારમાં રહેતો શ્રેયાંશ (બંનેના નામ બદલ્યા છે) ગત મંગળવારે રાબેતા મુજબ સ્કૂલેથી પરત આવ્યા બાદ પાલનપુર નજીક ઝઘડીયા ચોકડી ખાતે ટ્યુશન જવા નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા પાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં બંનેની શોધખોળ અંતર્ગત પ્રિયાંકની સ્કૂલ બેગમાંથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં લખ્યું હતું કે ‘હું સફળ થવા માટે જાઉં છું અને હું દસ વર્ષ બાદ પરત આવીશ, મને શોધતા નહીં’. જેથી પાલ પોલીસની બે અલગ-અલગ ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી.

વાપીના બદલે મુંબઇના દાદર સ્ટેશન પહોંચ્યા હતા
આજ રોજ બંનેને સવારે સુરત રેલવે સ્ટેશન ઉપર અમદાવાદ તરફ જતી ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ શોધી કાઢયા હતા. પોલીસે બંનેની હાથ ધરેલી પૂછપરછમાં જણાવ્યું હતું કે અભ્યાસમાં મન લાગતું ન હોવાથી નોકરી-ધંધાની કરી સફળ થવા માટે રાજન રૂ. 300 અને પ્રિયાંક રૂ. 500 તથા બેથી ત્રણ જોડી કપડા લઇ રીક્ષામાં બેસી સુરત સ્ટેશન પહોંચ્યા હતા. જયાંથી ટ્રેનમાં અંકલેશ્વર અને ત્યાંથી ભરૂચ ગયા હતા. જયાં વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં નોકરી માટે ગયા હતા પરંતુ ત્યાં મન નહીં લાગતા ટ્રેનમાં બેસી વાપી જવા નીકળ્યા હતા. પરંતુ વાપીના બદલે મુંબઇના દાદર સ્ટેશન પહોંચ્યા હતા. જયાં તેઓ મુંઝવણમાં મુકાતા અમદાવાદની ટ્રેનમાં એક મુસાફરની મદદથી બેસી ગયા હતા અને સુરત સ્ટેશન આવ્યા અને ટ્રેનમાંથી ઉતરતી વખતે પોલીસે તેમનો કબ્જો લઇ લીધો હતો.

પોલીસે 200થી વધુ સીસીટીવી ચેક કર્યા હતા
બાળકોની શોધખોળ માટે પોલીસે 200 થી વધુ CCTV કેમેરાની તપાસ કરી હતી. રાત-દિવસની મહેનત બાદ આખરે પોલીસની મહેનત રંગ લાવી હતી અને ગૂમ થયેલા બંને બાળકોની ભાળ મળી હતી.

800 રૂપિયા ખિસ્સામાં લઈ સફળ થવા નીકળ્યા
પોલીસના જણાવ્યા પ્રમાણે, બંને વિદ્યાર્થીઓ 800 રૂપિયા ખિસ્સામાં લઈને સફળ થવા નીકળ્યા હતા. મુંબઇ, દાદર, વાપી, વલસાડ, સહિતના સ્ટેશનો સુધી મુસાફરી કરી આવ્યા હતા. બાળકો સહીસલામત મળી આવતા પરિવારને હાશકારો અનુભવ્યો છે. બંને બાળકોને પોલીસે પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા.