સુરત/ MMTH પ્રૉજેક્ટને મંજૂરી, શહેરમાં 496 કરોડના ખર્ચે બનશે નવો એલિવેટેડ રૉડ કોરિડૉર

MMTH Project in Surat: સુરત શહેરમાં નવા નવા પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન( MMTH Project in Surat )ને વિશ્વસ્તરનું બનાવવા માટે વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં સફળતા મળી નથી. આખરે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતા સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટનું કામ શરૂ થઈ ગયું છે. સુરત રેલ્વે સ્ટેશનને એલિવેટેડ રોડની ભેટ મળવા જઈ રહી છે.

મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશનમાં એલિવેટેડ રોડ મદદરૂપ થશે
સુરત શહેરનું રેલવે સ્ટેશન એવી રીતે તૈયાર થઈ રહ્યું છે કે જેનાથી લાખોની સંખ્યામાં રોજના આવતા મુસાફર માટે ખૂબ જ સરળ બની રહેશે.​​​​​​​ અત્યાધુનિક સુવિધાથી સજ્જ રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. જેની આખી ડિઝાઇન ફાઈનલ કરી દેવામાં આવી છે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં એલિવેટેડ રોડ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. જેનાથી સુરત રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં વધારો થશે અને લોકો ખૂબ સારી રીતે અને ઝડપથી અવરજવર કરી શકશે.

યાત્રીઓ માટે પ્લેટફોર્મ સુધી જવું સુવિધાજનક થઈ જશે
એલિવેટેડ રોડની વિશેષતા એ છે કે તેની કુલ લંબાઈ 5479 મીટરની રહેશે. આ રોડ બનવાથી યાત્રીઓનો સમય બચવા સાથે ઈંધણની પણ બચત થશે. તેમજ વરાછા રોડ, લંબે હનુમાન રોડ અને રિંગરોડ સીધા રેલવે સ્ટેશન સાથે જોડાશે. નવનિર્મિત કોમર્શિયલ હબ સુધી લોકો સીધા પહોંચી શકશે. યાત્રીઓ માટે પ્લેટફોર્મ સુધી જવું સુવિધાજનક થઈ જશે.આ કોરિડોર બનવાને કારણે સુરત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં આવાગમન ખુબ સરળ બનશે

કુલ ખર્ચમાં રેલવે મંત્રાલય 68% રકમ આપશે
​​​​​​​સુરતના રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશનો વિભાગ એલિવેટેડ રોડ માટે 68%નું યોગદાન આપવા જઈ રહ્યું છે. સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માટેની જાહેરાત વારંવાર કરવામાં આવી રહી હતી. પરંતુ આ જાહેરાત પૂર્ણ થવા માટે સુરતીઓએ ઘણા વર્ષો સુધી રાહ જોવી પડી છે. આખરે દર્શના જરદોશ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવી છે કે, એલિવેટેડ રોડ અને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટશન હબ સુરત બનતા મુસાફરો માટે ખૂબ મોટી સુવિધા ઉભી થશે. એલિવેટેડ રોડને કારણે લોકોનો સમય પણ ઓછો વેડફાશે છે અને પ્રદૂષણ ઉપર પણ નિયંત્રણ આવશે.