તાપી શુદ્ધિકરણનો ઝંડો લઇ સમયાંતરે ભાજપના જ સ્થાનિક આગેવાનો ઝુંબેશ શરૂ કરે છે પણ ખાટલે મોટી ખોટ એ છે કે આ જ ભાજપના આગેવાનો સુરત મહાનગરપાલિકાના તંત્રને કાંઈ કહી શકતા નથી.
તાપી નદીને પ્રદૂષિત કરવામાં જો કોઇ નંબર વન હોય તો તે મનપાનું તંત્ર છે. કારણ કે 22 આઉટલેટ મારફતે પ્રતિ સેકન્ડ 3 હજાર લીટર ગંદું પાણી હાલ તાપીમાં ઠલવાઈ રહ્યું છે. ને ભાજપના નેતાઓ શુદ્ધિકરણનો ઝંડો લઇને ફરે છે.
ડુમસ નજીક તો ગટરના પાણી જ વહે છે
મધ્યપ્રદેશથી ઉદ્ભવી વાયા મહારાષ્ટ્ર થઈ ડુમસ નજીક દરિયામાં ભળી જતી 724 કિલોમીટર લાંબી તાપી નદી પર 1972ના વર્ષમાં ઉકાઈ ડેમ બંધાયો. ત્યારથી પાણીનું વહેવું મર્યાદિત થઈ ગયું. ત્યાં સુધી તાપી છલોછલ વહેતી હતી. ત્યાર બાદ 1995 સુધી થોડી ઘણી પણ સ્થિતિ સારી હતી.
1995 પછી તો હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. કારણ કે 1995માં તાપી પર વીયર કમ કોઝ-વે બંધાયા બાદ પાણી વહેવાની માત્રા ખૂબ જ ઘટી ગઈ હાલમાં તો કોઝ-વેથી લઈ છેક ડુમસ સુધી ગટરિયાં પાણી જ વહે છે.
તાપીમાં ગંદુ પાણી ઠાલવવા મ્યુ.નીએ 27 આઉટલેટ બનાવ્યા
તાપીમાં ગંદુ પાણી ઠાલવવા માટે મનપા દ્વારા સમયાંતરે કુલ 44 આઉટલેટ બનાવવામાં આવ્યા હતા. જેમાંથી હાલ 27 આઉટલેટ ચાલુ અને 17 બંધ છે. જે આઉટલેટ ચાલુ છે તેમાંથી દર સેકન્ડે 3,404 લીટર ગંદુ પાણી તાપીમાં ઠલવાઈ રહ્યું છે. જેના કારણે તાપી નદીની હાલત દિન પ્રતિદિન બગડતી જાય છે. વધુ ને વધુ ગંદી બનતી જાય છે.
તાપી નદીને સ્વચ્છ બનાવવી હશે તો સૌથી પહેલા મનપાના તંત્ર દ્વારા ઠાલવવામાં આવતા ગંદા પાણીને બંધ કર્યા વગર છૂટકો નથી.
હવે વાત કરીએ તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટની. તો આ માટે રૂ. 922 કરોડ રાજ્ય સરકારે બે વર્ષ પૂર્વે જાહેર કર્યા. તેમાંથી મોટા ભાગની રકમ આ આઉટલેટ બંધ કરવા પાછળ ખર્ચાશે. ત્યારે વહેલામાં વહેલી તકે 922 કરોડની ફાઇલ મંજૂર થાય અને ગંદું પાણી ઠલવાતું બંધ થાય તો જ તાપી શુદ્ધ થાય. અત્યાર સુધીની બધી જ ઝુંબેશ પોથી માંહેનાં રિંગણાં સાબિત થઈ તેનું પુનરાવર્તન થશે.