કરોડોના ખર્ચા કરતી SMC પાસે શાળામાં બાળકોને તડકાથી બચવા પડદા લગાવવાના રૂપિયા નથી?

Surat Corporation School: સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ 900 કરોડથી વધુનું છે. પરંતુ શિક્ષણ સમિતિ પાસે એક શાળામાં 110 બારીના પડદાનો ખર્ચ નથી. આવું અમે એટલા માટે કહી રહ્યા છે કે શિક્ષણ સમિતિની એક શાળામાં વિદ્યાર્થીઓને(Surat Corporation School) મુશ્કેલી ન પડે તે માટે 110 બારીના પડદાનો ખર્ચ શાળા પરિવારે કરવો પડ્યો છે.  અધધ બજેટ હોવા છતાં શિક્ષણ સમિતિમાં પડદા માટે ગ્રાન્ટ નથી તેથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોની હાલત પણ કફોડી થઈ રહી છે.

આ પહેલા શાળામાં લાકડાની બારી હતી જે રીપેરીંગ સ્લાઈડર વાળી કાચની બારી નાખવામાં આવી છે. જેથી સીધા વર્ગખંડમાં તડકો આવતા બાળકોને બોર્ડ પર દેખાતું ન હોવાથી પડદા લગાવવા પડ્યા છે. મળતી માહિતી અનુસાર શિક્ષણ સમિતિ પાસે 900 કરોડથી વધુનું બજેટ છે પરંતુ શાળાની જરૂરિયાત મુજબ ખર્ચ ન કરાતા હોવાથી અનેક શાળાની હાલત કફોડી બની રહી છે. ત્યારે હાલમાં જ પાલિકાએ નવા શાળા ભવન બનવ્યા છે અથવા તો રીપેરીંગ કર્યું છે.

જેમાં શાળાઓમાં પહેલા બારી લાકડાની હતી એ કાઢી સ્લાઈડર વાળી કાચની બારી નાખવામાં આવી છે. પરંતુ શાળાઓ બપોર પાળીની હોય અને તેમાં શાળા શરૂ થાય ત્યારથી જ મોટાભાગના વર્ગોમાં તડકો આવી જતો હોય છે જેના કારણે વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ કે ગ્રીન બોર્ડમાં લખેલું સ્પષ્ટ દેખાતું નથી. અને આવી ફરિયાદ અનેક શાળાઓની છે. પરંતુ સમિતિ દ્વારા આ સમસ્યાના હલ માટે કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે તેવી હાલત ઉભી થઇ છે.

ત્યારે ડિડોલીની 257 નંબરની શાળાની પણ અન્ય શાળાની જેમ સમસ્યા છે. આ શાળામાં શિક્ષણ કાર્ય ની ગુણવત્તા વધુ હોવાથી અહી એડમીશન માટે પડાપડી થાય છે અને ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.  ત્યારે આવી સ્થિતિમાં સ્લાઈડર વાળી કાચની બારી હોવાના કારણે અનેક વિદ્યાર્થીઓને બોર્ડ પર લખેલું દેખાતું નથી. અને વર્ગખંડમાં તડકો પણ આવે છે. જો કે શાળા સંચાલકો દ્વારા  અનેક વખત બારી પર પડદા લગાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ગ્રાન્ટ આપવામાં ન આવતા  છેલ્લા ઉપાય તરીકે શાળા પરિવાર દ્વારા શાળાની 110 બારીઓને પડદા નાખવા એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. શાળાના શિક્ષકોએ એક વિચાર રજુ કર્યો એ મુજબ પડદા લગાવવા માટે સોકેટ અને પાઈપનો ખર્ચ ગ્રાન્ટમાંથી કરવા અને પડદાનો સંપૂર્ણ ખર્ચ શાળા પરિવારે ઉઠાવવાનો  નિર્ણય કરવામાં આવ્યો હતો.

જે બાદ શાળામાં પરીક્ષા પૂર્ણ થતાં જ શાળા પરિવાર દ્વારા પડદાના કાપડની ખરીદી કરી બારીના માપ લઈ સિલાઈ કરવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો અને પડદા સીવીને વેકેશન પહેલા જ શાળામાં આવી ગયા હતા. શાળામાં સત્ર શરૂ થતાની સાથે જ શાળાના દરેક વર્ગમાં આવેલી 110 બારી પડદા લગાવી દેવામાં આવ્યા છે. જેના કારણે સ્માર્ટ બોર્ડ અને ગ્રીન બોર્ડનો અસરકારક ઉપયોગ શક્ય બન્યો છે. ત્યારે આ શાળાએ હિંમત કરીને કામગીરી કરી અવાજ ઉઠાવ્યો છે અને એકજુથ થઇ પાલિકાની રાહ જોયા વિના સમસ્યાનો ઉકેલ લાવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કોઈ અસર ન પડે. જો કે અન્ય કેટલીક શાળાઓ છે જેમાં કાચની બારીઓ હોવાથી સ્માર્ટ બોર્ડ કે ગ્રીન બોર્ડમાં લખેલું વિદ્યાર્થીઓને સ્પષ્ટ દેખાતું નથી. ત્યારે શાળાના શિક્ષકો કે આચાર્ય કે શિક્ષણ સમિતિના શાસકો દ્વારા  આ સમસ્યાનો કોઈ ઉકેલ ન કાઢતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર થઇ રહી છે તેવું કહેવું કઈ ખોટું નથી.