છેલ્લા 9 દિવસથી ઉપવાસ પર બેઠેલા સુરતના બે પાસ કન્વીનરોને સારવાર માટે રાત્રે ઉંચકી પોલીસ ગઈ

Published on: 5:09 am, Thu, 21 February 19

અલ્પેશ કથીરિયાને જામીન મળે તે હેતુથી પાસ કન્વીનર ધાર્મિક માલવિયા અને નિકુંજ કાકડીયાના આમરણાંત ઉપવાસના નવમા દિવસની રાત્રે સારવાર માટે ઉપવાસ છાવણીમાંથી પોલીસ ઉંચકીને લઈ ગઈ હતી. અને સ્મીમેર, સિવિલ સહિત ચાર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. જ્યાં બંને કન્વીનરોએ સારવાર લેવાની ના કહીં ઉપવાસ છાવણીમાં સારવાર આપવાની માંગ કરી હતી. અને ફરી સવાર થતા અલ્પેશના ઘર પાસે આવેલા મંદિર ખાતે ઉપવાસ શરૂ કર્યા હતા.

અલ્પેશ કથીરિયાને જામીન મળે તે વરાછામાં પાસ કન્વીનર ધાર્મિક માલવિયા અને નિકુંજ કાકડીયાના આમરણાંત ઉપવાસ કરી રહ્યા હતા. દરમિયાન ગત રોજ સુરત કલેકટર ડો.ધવલ પટેલ અને ઝોન-1 ડીસીપી બારોટ તથા અન્ય અધિકારીઓએ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી.

કલેકટરએ ખાસ સૂચન કર્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં રિપોર્ટ જોઈને સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઇ રહી હોવાનું કહ્યું હતું. જેથી ઉપવાસીઓને હોસ્પિટલાઇઝ થઇ સારવાર લેવા માટે કહ્યું હતું. સ્વાસ્થ્ય જાળવવું એ પહેલી જવાબદારી તેમ કહેતાં તેમણે કહ્યું કે, તમામ રજૂઆત સરકારમાં મોકલી આપવામાં આવી છે. અને તે બાબતે કંઇક ઉકેલ આવશે પણ સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે. સાથે જ ઉપવાસ છોડી અને હોસ્પિટલમાં સારવાર માટે ઝડપી નિર્ણય લેવા કહ્યું હતું. સાથે જ ક્લેક્ટરે ધાર્મિક માલવીયા અને નિકુંજ કાકડીયાને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પુસ્તક ભેટ આપ્યું હતું.