સુરતમાં પથ્થરમારા બાદ પોલીસ એલર્ટ મોડમાં; ગણેશ પંડાલના વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલન્સ હાથ ધરાયું, જુઓ વિડીયો

Surat Drone Surveillance: સુરત ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. એસઓજી, ક્રાઇમ બ્રાંચ, એસઆરપી તેમજ સ્થાનિક પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં (Surat Drone Surveillance) આવ્યો છે. તેમજ આ ત્રીજા દિવસે પણ અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા ડ્રોન કેમેરાના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પૂર્વાયોજિત કાવત્રું હોવાની શંકા
કોઈ પણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા એન્ટી રાયોટીગ તેમજ વજ્ર વાહન ખડકી દેવામાં આવ્યા છે. આ ઘટનાનાં આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમજ તેના 14 દિવસના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવી છે. તો બીજી તરફ આ આરોપીઓએ કાવત્રુ પૂર્વાયોજિત રચ્યું હોવાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

કડક સૂચના
આરોપીઓએ સૈયદપુરા પોલીસ ચોકી પાસે જ આવેલા મકાનોના છત પરથી પથ્થર મારો કરાવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગની સાથે ડ્રોન કેમેરાથી તપાસ હાથ ધરી છે. અઠવા વિસ્તારની વિવિધ શેરીઓમાં પોલીસે કોમ્બિંગ શરૂ કર્યુ છે. અસામાજિક તત્વોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. વિસ્તારમાં માથાભારે છબી ધરાવતા ઇસમોને પોલીસ મથકે બોલાવી સૂચના આપવામાં આવી છે.

સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે
શહેરના જુદા જુદા પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ચાંપતી નજર છે. ખટોદરા, અઠવા, સલાબતપુરા, લાલગેટ, લીંબાયત પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમ થકી ગેરપ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા આવી રહી છે. સંવેદનશીલ તથા કોમ્યુનલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આઝાદ નગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગર, નાનપુરા કાદર શાહ નાલ, રુસ્તમપૂરા, સૈયદપૂરા, ચૌક, મહિધરપુરામાં ડ્રોન ઉડાવવામાં આવ્યું છે. ઝુપડપટ્ટી વિસ્તાર તથા ધાબા પર ચેકિંગ ચાલુ છે. ફૂટ પેટ્રોલિંગ કરી સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સતત ત્રીજા દિવસ સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.