સુરત પોલીસે ભીખ માંગતા 38 બાળકોનું કર્યું રેસ્ક્યૂ; 23 તો માત્ર ગુજરાતના જ, જાણો સમગ્ર મામલો

Begging Children Rescue: સુરત શહેરના રસ્તા પર ભીખ માંગતા કે કચરો સાફ કરીને પૈસા ઉઘરાવતા માસૂમ બાળકોના પુનઃવસનની કામગીરી સુરત શહેર પોલીસે(Begging Children Rescue) હાથ ધરી છે. પોલીસે સોમવારે આખાય શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 38 બાળકોને શોધી તેઓનું રેસ્ક્યુ કર્યું છે.

ભીખ માંગતા બાળકોનું રેસ્ક્યુ
શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીણીને અથવા સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ બાળકોના પુનઃવસન માટે સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોત દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચના JCP, DCP ના માર્ગદર્શન હેઠળ ACP મહિલા સેલ દ્વારા AHTU, IUCAW, અને વિવિધ પોલીસ મથકો શી ટીમ અને સર્વેલાન્સ સ્ટાફની જુદી જુદી ટીમ બનાવી સમગ્ર શહેરમાંથી આવા બાળકોને શોધી કાઢવા માટેનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

38 બાળકો મળી આવ્યા
સુરત શહેર પોલીસની જુદી જુદી બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસ ની કુલ 30 ટીમ બનાવી સમગ્ર શહેરની અંદર તા. 29.07.2024ના સવારથી આવા સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાંજ સુધીમાં આવા 38 બાળકો મળી આવ્યા હતા કે જેઓ ભીખ માંગતા હોય અથવા તો કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હોય. કુલ 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેમાં 17 સગીર વયના બાળકો 21 બાળકીઓનો સમાવેશ થાય છે. 38 બાળકો માં 0 થી 6 વર્ષના 7 અને 0 થી 12 વર્ષની વયના 31 બાળકો છે.

અલગ અલગ રાજ્યના બાળકો મળી આવ્યા
આ તમામ 38 બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે જેમાં ગુજરાત ના 23, બિહારના 10 અને મહારાષ્ટ્ર ના 5 બાળકો છે. રેસ્ક્યુ કરાયેલા આ બાળકોમાં માતા પિતા સાથે કુલ 33 બાળકો હતા જ્યારે 4 બાળક અનાથ અને 1 બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યા છે.છેલ્લા એક મહિનાથી આવા બાળકો પર નજર રાખવામાં આવી રહી હતી.

જેમાં 113 બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે. અન્ય બાળકોને રેસ્ક્યુ તથા પુનઃવસનની કામગીરી આગામી સમય સુધી જારી રહેશે.સુરત પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી CWC (ચાઇલ્ડ વેલ્ફેર કમિટી) ને બાળકો નો કબ્જો સોંપવાની કામગીરી કરવામાં આવી છે.