Surat Silent Zone Scam: સુરતના જાણીતા બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે સાયલન્ટ ઝોનની 2500 કરોડ રૂપિયાની અંદાજિત 5 લાખ ચોરસ મીટર જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી તેનું વેચાણ કરી દીધુ હતું. ત્યારે હવે બોગસ પ્રોપર્ટીકાર્ડ કૌભાંડમાં (Surat Silent Zone Scam) બિલ્ડર નરેશ શાહ અને તત્કાલિન સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલને હાઇકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. પોતાની સામે થયેલી ફરિયાદ રદ્દ કરવા માટે આ બંનેએ કરેલી અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું.
ક્વોશિંગ પીટિશન નામંજુર કરાય એવું લાગતાં બંનેએ તે પાછી ખેંચી લીધી હતી. ડુમસ રોડ ઉપર એરપોર્ટની સામેની દિશામાં આવેલા ડુમસ, ગવિયર અને વાંટા ગામની લાખો વાર જગ્યા ખરીદી સાયલન્ટ ઝોન નામથી અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મૂકાયો હતો. આ પ્રોજેક્ટ માટે ફેબ્રુઆરી-2004માં શહેરના ચાર મોટા બિલ્ડરોએ હાથ મિલાવ્યો હતો. આ ચાર જણા વચ્ચે થયેલા ભાગીદારી કરારમાં નરેશ નેમચંદ શાહનો હિસ્સો 40 ટકા હતો. મનહર મુળજીભાઈ કાકડીયા (રહે. સિટીલાઈટ સોસાયટી, ઉમરા, સુરત), લોકનાથ લોરેન્દામલ ગંભીર (રહે. સાયલન્ટ ઝોન, ડુમ્મસ, સુરત), જયપ્રકાશ ખાનચંદ આસવાની (રહે, સાયલન્ટ ઝોન, ડુમ્મસ, સુરત) વીસ વીસ ટકાના ભાગીદાર હતા. પ્રોજેક્ટ માટે સાત લાખ વાર જેટલી જમીન ખરીદાયાનું કહેવાય છે.
આ ચાર ભાગીદારીઓ જમીન ખરીદી અને વહીવટનો ખેલ રસિક લલ્લુ પટેલના નામે કર્યો હતો. રેવન્યુ રેકર્ડ પર માલિક એવા રસિક લલ્લુને આઝાદ રામોલિયાએ ઝાંસામાં લઇ સમૃદ્ધિ કોર્પોરેશનની જમીનના દસ્તાવેજ કરાવી લીધા હતા. આ મામલે પોલીસ ફરિયાદ પણ થઇ હતી. જાે કે રેવન્યુ રેકર્ડ પર માલિક બની ગયેલા આઝાદ રામોલિયાએ હવે સમૃધ્ધિ કોર્પોરેશન સામે બાંયો ચઢાવી છે. રામોલિયાએ સીઆઇડી ક્રાઇમમાં આ મામલે તપાસ માટે અરજી કરી હતી. અરજી ઉપર સીઆઇડી ક્રાઇમે કરેલી તપાસમાં કંઇ કંઇ બાબતો બહાર આવી એનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે.
સીઆઇડીના અધિકારીઓએ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, કલેક્ટાલયમાંથી પ્રોપર્ટી કાર્ડ ગેરકાયદે બનાવાયા હોવાના દસ્તાવેજી પુરાવા મેળવ્યા હતાં. ઓન પેપર તદ્દન ખોટું કરાયું હોવાથી પોતાના ગળે કાયદાનો ગાળિયો ફસાઈ જશે એવું જાણી ચૂકેલા નરેશ શાહ કાનૂની રાહત મેળવવા હાઇકોર્ટ પહોંચી ગયા હતાં. નરેશ શાહે અરજીની તપાસ ઉપર સ્ટે મેળવવા અરજી કરી હતી. જાે કે, શાહનું આ પાસું અવળું પડ્યું હતું, કોર્ટે તપાસ રોકવાનો ઇન્કાર કરી દીધો હતો.
જાે કે, આ અરજીની કાર્યવાહીમાં સીઆઇડી ક્રાઇમે ઇચ્છા-અનિચ્છાએ સરકારી કચેરીઓમાંથી મેળવાયેલા પુરાવા ઓન રેકર્ડ રજુ કરી દેવા પડ્યા હતા. હાઇકોર્ટ અરજી ફગાવતા જ સીઆઇડી ક્રાઇમને ગુનો નોંધવાની ફરજ પડી હતી. સામાન્ય રીતે એવું જાેવા મળે છે કે અરજીની તપાસમાં સીઆઇડી નક્કર પુરાવા હાથવગા કરી લે છે. ત્યારબાદ ગુનો નોંધવાના સમયે આરોપીઓને રાઉન્ડઅપ કરી લે છે.
આ રીતે આરોપીઓને છટકીને ભાગવા કહો કે બચવાની તક અપાતી નથી. જાે કે, સાયલન્ટ ઝોનનાં કેસમાં પુરતા દસ્તાવેજી પુરાવા છતાં ધરપકડના મુદ્દે સીઆઇડીનું વલણ ઢીલું જાેવા મળ્યું છે. મોટા માથાઓની સંડોવણી હોવાથી સીઆઇડી ક્રાઇમે કલેક્ટરાલયનાં ભ્રષ્ટ અધિકારીઓ ઉપર પણ હાથ નાંખ્યો નથી. તેઓ પણ હાલ તેલ જુઓ અને તેલની ધાર જુઓ એવી નીતિ રીતિ અપનાવી તેઓને બચવા માટે સમય અપાઇ હોવાની ચર્ચા પણ ઉઠી હતી.
આવા સંજાેગોમાં બિલ્ડર નરેશ શાહ અને કૌભાંડ થયું ત્યારે સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હતા એ અનંત પટેલ દ્વારા ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ સ્કવોશિંગ પીટિશન જસ્ટીસ સંદીપ ભટ્ટની કોર્ટમાં ચાલી હતી. જેમાં તેઓએ આકરૂ વલણ અખત્યાર કર્યું હતું, કોર્ટ આ સ્કવોશિંગ પિટિશન ફગાવે એવું લાગતાં બંનેના વકીલે તે પાછી ખેંચી લીધી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App