સુરત: મિત્રએ જ ફોન કરીને કહ્યું ‘ભાભીને લાવ્યો છું’ તમારે આવવું હોય તો આવો, અને પછી…જાણો સમગ્ર ઘટના

Surat News: સુરતના અમરોલી વિસ્તારમાં 39 વર્ષીય રત્નકલાકારને તેના મિત્ર, મહિલા સહિત પાંચની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી રૂ.75 હજાર પડાવ્યા હતા અને ફસાવતી વખતે કહ્યું કે, હું એક ભાભીને લાવ્યો છું, તારે આવવું હોય તો આવ.. આથી ફરિયાદી ત્યાં દોડી(Surat News) ગયા હતા. ત્યારે આ ઘટનાના પગલે કતારગામ પોલીસે ગુનો નોંધી તેના જમીનદલાલ મિત્રની ધરપકડ કરી છે.

‘હું એક ભાભીને લાવ્યો છું, તારે આવવું હોય તો આવ…’
સુરતમાં હનીટ્રેપની ઘટના દિવસેને દિવસે પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે કતારગામમાં રહેતા 39 વર્ષીય રત્નકલાકારને તેના જમીનદલાલ મિત્ર ઉમેશે 22મી ઓગસ્ટે કોલ કરી જણાવ્યું કે ‘હું એક ભાભીને લાવ્યો છું, તારે આવવું હોય તો આવ, રત્નકલાકારે મિત્રની વાતમાં આવી કતારગામ કહાન ફળિયામાં આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા ઘર પાસે ગયો હતો. તે સમયે ઘર બહાર મિત્ર ઉમેશ ઊભો હતો અને રત્નકલાકાર ઘરમાં ગયો તો એક મહિલા બેઠી હતી.

75 હજાર રૂપિયા પડાવ્યા
મિત્રના ઇશારાથી રત્નકલાકાર અને મહિલા એક રૂમમાં ગયા હતા. એટલામાં 3 શખ્સોએ રૂમમાં ઘુસી પોલીસનો આઈકાર્ડ બતાવ્યો. રત્નકલાકાર અને મિત્ર ઉમેશને લાફા ઝીંકી દીધા હતા. રત્નકલાકારને હાથકડી પહેરાવી દીધી હતી. પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી 3 લાખ માંગ્યા હતા. રત્નકલાકાર સાથે રકઝક બાદ 75 હજારની તૈયારી બતાવી હતી.

પોલીસે આરોપીની કરી ધરપકડ
રત્નકલાકારે સેફ ડિપોઝીટમાં રકમ લઈ ઉમેશને આપી દીધી હતી. રત્નકલાકારે કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે મિત્ર ઉમેશ પટેલ, અમિત મશરૂ, અલ્પેશ પટેલ સહિત 4 જણા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ઉમેશ અરજણ પટેલ(48)ની ધરપકડ કરી છે. હનીટ્રેપમાં ઉમેશને 7 હજારની રકમ મળી હતી.