શું હીરા ઉદ્યોગમાં આવશે તેજી? સામે આવ્યાં મોટા સમાચાર, જાણો અત્યારે જ…

Surat Diamond News: 2025નું નવું વર્ષ સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ પોલીશ હીરાના એક્સપોર્ટમાં (Surat Diamond News) વધારો થયો છે, સાથે સાથે રફ હીરાના ઈમ્પોર્ટમાં પણ વધારો થયો છે. નેચરલ સાથે લેબ્રોન ડાયમંડના એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ એમ બંનેમાં વધારો થયો છે.

નવા વર્ષ, તેમજ વેલેન્ટાઇન ડે આવતા પતલી સાઈઝના પોલીશ હીરાની માંગ વધી છે. જેને લઇ નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં એક્સપોર્ટમાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. રફ હીરાનું ઈમ્પોર્ટ વધવા પાછળનું કારણ જોઈએ તો દિવાળી આવતા પહેલા મોટાભાગના હીરાગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ રફ હીરાની ખરીદી બંધ કરી દીધી હતી.

તેમની પાસે પહેલેથી જે સ્ટોક હાજરમાં હતો તે પૂરો થતાં કારખાના શરૂ થતાની સાથે જ રફ હીરાની ખરીદીમાં વધારો નોંધાયો છે. સાથે સાથે ડી બીયર્સ અને અલરોઝા જેવી માઈનીંગ કંપનીઓએ રફ હીરાના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો ઘટાડો પણ કર્યો છે. જેના કારણે ઉદ્યોગકારો મોટા પ્રમાણમાં રફ હીરા ખરીદી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સુરતના હીરા ઉદ્યોગના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી લાંબી મંદી જોવા મળી હતી. રત્નકારોને રોજીરોટી મળી રહે તે માટે 65 ટકા જેટલા કારખાનાઓમાં લેબ્રોન હીરાનું કટીંગ અને પોલીશીંગ ચાલુ કરવામાં આવ્યું હતું. ચાર વર્ષ પહેલા લેબ્રોન ડાયમંડના માત્ર 350 કારખાના જ હતા. જે આ મંદીને કારણે વધીને 5200થી વધુ થઈ ગયા છે. લેબ્રોન ડાયમંડની માંગ વધતા માર્કેટ સ્ટેબલ રહેવાની આશા છે.

સુરતમાં નાના મોટા મળીને કુલ અંદાજે 8,000થી પણ વધારે કારખાનાઓ રહેલા છે. છેલ્લા બે વર્ષમાં હીરા ઉદ્યોગમાં માંગમાં ઘટાડો થતાં લેબ્રોન ડાયમંડ તરફ લોકો વળ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધ બાદ હમાસ-પેલેસ્ટાઇન યુદ્ધની પરિસ્થિતિને કારણે અમેરિકા સહિતના અન્ય દેશોમાં પણ પોલીસ હીરની ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે. જેની અસર સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગ પર થઈ હતી. જોકે આ હાલના આંકડાઓ જોતા હીરા ઉદ્યોગમાં તેજી આવશે તેવી ઉદ્યોગકારો આશા વ્યક્ત કરી રહ્યા છે.