સુરતનું પૌરાણિક સિદ્ધનાથ મહાદેવનું મંદિર: જાણો મંદિરના ચમત્કારો

Siddhanath Mahadev Temple: જેના દર્શન કરવાથી મનોકામના સિદ્ધ થાય છે એવા સિદ્ધનાથ મહાદેવ અસંખ્ય ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સુરતથી 30 કીલોમીટરના અંતરે અને ઓલપાડ તાલુકાથી 6 કિમીના અંતરે સરસ ગામે બીરાજે છે ભગવાન સિદ્ધનાથ મહાદેવ (Siddhanath Mahadev Temple). અહીંયા અસંખ્ય શિવ ભક્તો સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે.

લોકોમાં આસ્થાનું કેન્દ્ર
સુરતના છેવાડે ઓલપાડનાં ના સરસ ગામના સિધ્ધનાથ મહાદેવ મંદિરે આમ તો બારેમાસ દર્શનાર્થીઓનો ધસારો રહે છે પણ શ્રાવણ મહિનામાં અહીં ભક્તોનું ઘોડાપૂર આવે છે. સુરતથી અને આજુબાજુથી અસંખ્ય શ્રદ્ધાળુઓ 27 કિલોમીટર સુધી પગપાળા દર્શન માટે આવતા હોય છે..રવિવારે રાત્રે લોકો પગપાળા જઈ સોમવારની વહેલી સવારે તાપી કે નર્મદા નદીનું પાણી ચઢાવીને પૂજા-અર્ચના કરતાં હોય છે. ભક્તોના પ્રિય સિદ્ધનાથ મહાદેવની આ લોકપ્રિયતા પાછળ વિવિધ પ્રકારની દંતકથાઓ જોડાયેલી છે.

સિદ્ધનાથ મંદિરની લોકવાયકા
વાત કરીએ સિદ્ધનાથ મહાદેવ મંદિરના ઇતિહાસની તો દરિયા કિનારે આવેલા આ વિસ્તારમાં ગોકર્ણ ષિનો આશ્રમ હતો. આશ્રમના પશુઓ આ જગ્યા પર ઘાસ ચરવા માટે આવતા હતા. પરંતુ ગાયોના ટોળામાંથી એક ગાય નિત્ય અલગ થઇ જતી હતી અને ટેકરી પર ઊભી રહેતી હતી એટલુ જ નહી, એ ત્યાં તેના આંચળમાંથી દુધની ધારા વહેડાવતી હતી. આ દ્રશ્ય ગોપાલકો એ જોયા બાદ તેમણે ગોકર્ણ ષિને આ વાતની જાણ કરી અને ગોકર્ણ ષિએ પોતાના અંતર મનથી જોયું તો ગાય જ્યાં દૂધધારા વહેડાવતી હતી ત્યાં જમીનમાં શિવલિંગ હતું. ત્યારબાદ ગોકર્ણ ષિએ આ જગ્યા પર તપ કર્યું અને તેમના તપોબળથી આ શિવલિંગ જમીનમાંથી બહાર આવ્યું અને એ શિવલિંગ એટલે જ સિદ્ધનાથ મહાદેવ. સ્કંદ પુરાણમાં પણ સિદ્ધેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે.

આજે પણ શિવલિંગમાં છિદ્રો યથાવત અને મીઠુ પાણી ઝરે છે
અન્ય એક દંતકથા મુજબ રાજા મહારાજાના સમયમાં લૂંટારૃઓના ત્રાસથી રાજાઓ પોતાના રાજ્યનો ખજાનો શિવ મંદિરમાં છુપાવી દેતા હતા. વરસો પહેલા લૂંટારૃઓની નજર આ સિદ્ધનાથ મહાદેવ મંદિર પર પડી હતી. ગાયકવાડના સમયના આ મંદિરમાં શિવલિંગ નીચે મોટા પ્રમાણમાં ખજાનો હોવાનું માની લૂંટારૃઓએ આ મંદિરમાં લૂંટ ચલાવી હતી. શિવલિંગ પર હથોડા અને કુહાડીના ઘા મારી શિવલિંગ તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે શિવલિંગમાં પડેલા છિદ્રો માંથી અસંખ્ય ભમરા રૃપે ભગવાન પ્રગટ થઇ બહાર આવ્યા અને લૂંટારૃઓને ઝેરી ડંખ મારવાનું શરૃ કરતા,

લૂંટારૃઓ જીવ બચાવી ભાગ્યા હતા. લૂંટારૃઓ શિવજીના ક્રોધના કારણે આંધળા થઇ ગયા હતા. આજે પણ આ લુંટારૃ દ્વારા ખંડિત થયેલા શિવલિંગમાં છિદ્રો જોવા મળે છે. મંદિરની આજુબાજુનો વિસ્તાર દરિયાના કારણે ખારું તળછે, છતાં શિવલિંગમાંથી નાળીયેર જેવુ મીઠું પાણી વહી રહ્યું છે. સ્થાનિકો તેને ગુપ્ત ગંગાજી માને છે. કેટલાક શ્રદ્ધાળુઓ આ ગંગાજળનો દવા તરીકે પણ ઉપયોગ કરે છે.

ભારતની આઝાદીમાં પણ સિદ્ધનાથ મહાદેવની કૃપા વરસી છે
ગાંધીજીના પ્રિય એવા મહાદેવભાઇ જીવણજી દેસાઇના પિતા દિહેણ ગામના વતની હતા. સરસ પ્રાથમિક શાળામાં તેઓ શિક્ષક હતા. તેઓ પહેલા નિસંતાન હોવાથી સિદ્ધનાથદાદાની કૃપા બાદ પુત્ર જન્મ થયો હતો જેનું નામ મહાદેવ રાખ્યુ હતું. ગાંધીજી હમેંશા મહાદેવભાઇ સલાહ લેતા. અને મહાદેવભાઇ પોતે સિદ્ધનાથદાદા થકી જ કામ કરતા હતા. આમ અંગ્રેજ હકુમતને દૂર કરવામાં મહાદેવભાઇ અને મહાદેવભાઇમાં જીવતા સિદ્ધનાથ મહાદેવનો પણ ભારતની આઝાદી માટે મહત્વનો ફાળો ગણી શકાય છે.