સૂર્યાનો એ કેચ, જાણે ’83’નું ફ્લેશબેક:1983માં કપિલ દેવના કેચથી મેચ પલટી હતી, સૂર્ય કુમારે આફ્રિકાની જીતનો કોળિયો છીનવ્યો

IND vs SA T20 wolrd cup 2024 ની ફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા(IND vs SA T20 wolrd cup 2024)ને 7 રને હરાવીને ઇતિહાસ રચી દીધો છે, ભારતીય ક્રિકેટ ચાહકોમાં હર્ષોલ્લાસનો માહોલ છે. ભારતીય ટીમ 17 વર્ષ બાદ બીજી વખત T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી છે. આ જીતમાં તમામ ખેલાડીઓનું યોગદાન રહ્યું, પરંતુ સૂર્યકુમાર યાદવ(Surykumar Yadav)એ ડેવિડ મિલર(David Miller)નો શાનદાર કેચ પકડી સૌને ચોંકાવી દીધા. સૂર્યાનો આ કેચ જોઈને ચાહકોને 1983ના વર્લ્ડ કપ ફાઇનલમાં કપિલ દેવે લીધેલો ઐતિહાસિક કેચ યાદ આવી ગયો. સૂર્યાનાં કેચે મેચને સંપૂર્ણ રીતે પલટાવી દીધી.

કપિલ દેવે પકડેલા એ કેચે મેચને સંપૂર્ણ રીતે પલટાવી દીધી હતી
1983ના વર્લ્ડ કપ ફાઇનલમાં કપિલ દેવે વિવિયન રિચર્ડ્સનો કેચ પકડીને ભારતને પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. કપિલ દેવે પકડેલા એ કેચે મેચને સંપૂર્ણ રીતે પલટાવી દીધી હતી. એ કેચ વિશે હજુ પણ એવું કહેવાય છે કે કપિલ દેવે માત્ર કેચ નહતો પકડ્યો, પરંતુ વર્લ્ડ કપ પકડ્યો હતો. તે ઐતિહાસિક ફાઇનલ મેચમાં વિવિયન રિચર્ડ્સે 28 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા. એવું લાગતું હતું કે વિલિયન રિચર્ડ્સ વેસ્ટ ઈન્ડિઝને મેચ જીતાવશે, પરંતુ જ્યારે રિચર્ડ્સે મદન લાલના બોલને ફટકારવાનો પ્રયાસ કર્યો, ત્યારે કપિલ દેવે પાછળ દોડતા એક અશક્ય લાગતો કેચ પકડ્યો હતો, તે કેચના કારણે જ ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી.

સૂર્યાએ બોલને હવામાં ઉછાળ્યો
હવે 2024 માં, સૂર્યકુમાર યાદવે T-20 વર્લ્ડ કપ ફાઇનલમાં એક કેચ પકડ્યો જેનાથી ભારત ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બન્યું. સૂર્યાએ બાઉન્ડ્રી લાઇન પર ડેવિડ મિલરનો શાનદાર કેચ લીધો હતો. આ કેચને કારણે ભારતની જીતની આશા પ્રબળ બની હતી. મિલરે હાર્દિકના ફુલ ટોસ બોલ પર લોંગ ઓન પર લાંબો શોટ માર્યો, બોલ બાઉન્ડ્રીની બહાર જઈ રહ્યો હોય એવું જણાતું હતું. આવી સ્થિતિમાં સૂર્યાએ કેચ પકડ્યો, તેને લાગ્યું કે તેનો પગ બાઉન્ડ્રી લાઇનની બહાર જતો રહેશે, ત્યારે સૂર્યાએ બોલને હવામાં ઉછાળ્યો, આ પછી સૂર્ય બાઉન્ડ્રી લાઇની પાર ગયો અને ફરી અંદર આવીને બોલ પકડી લીધો.

સૂર્ય કુમાર યાદવે શાનદાર કેચ લીધો
સૂર્ય કુમાર યાદવ લોંગ ઓફ પર ઊભો હતો અને તેણે બાઉન્ડ્રી પર શાનદાર કેચ લઈને વર્લ્ડ કપ ટ્રોફી પર મહોર મારી હતી. સૂર્યકુમાર યાદવ લોન્ગ ઓફ પર ઊભો હતો અને બોલ તેના હાથમાં પકડીને તેણે તેને બહાર ફેંક્યો અને પછી પોતે બાઉન્ડ્રીની અંદરથી બહાર આવ્યો અને ફરીથી કેચ લઈને મિલરને પેવેલિયન મોકલી દીધો. ડેવિડ મિલર આ ટીમની છેલ્લી આશા હતા અને તેની વિકેટ પડતાની સાથે જ દક્ષિણ આફ્રિકા સંપૂર્ણપણે મેચ હારી ગયું હતું.

આ પછી રબાડાએ ચોગ્ગો ફટકાર્યો પણ ત્યાં પણ પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહીં. આમ દક્ષિણ આફ્રિકા 7 રને મેચ હારી ગયું હતું. સૂર્યાના આ કેચને કારણે ભારતની જીત લગભગ નક્કી થઇ ગઈ, મિલર આઉટ થતાં જ ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવાની નજીક પહોંચી ગઈ. ભારતીય ટીમ આ મેચ 7 રનથી જીતવામાં સફળ રહી હતી.

મેચનો સારાંશ જાણો
ફાઈનલ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને વિરાટ કોહલીની 76 રનની ઈનિંગના આધારે 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. આ મેચમાં સાઉથ આફ્રિકાને જીતવા માટે 177 રનની જરૂર હતી અને આ ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા અને 7 રનથી મેચ હારી ગઈ. આ હાર બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એકવાર ચોકર સાબિત થઈ છે.