તાજેતરમાં પાદરાના લુણા ગામમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં બીડીઆર લાઇફ સાયન્સીસ કંપનીના ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાંથી સોમવારે સાંજે છ વાગે લેબ બોય તરીકે કામ કરતા યુવક અને લેબ ટેક્નિશિયન યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે.
આ બંનેએ પ્રેમ પ્રકરણમાં આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. બંનેને માત્ર ગળાના ભાગે ઇજા જોવા મળી હતી. ઇજાગ્રસ્ત યુવક અને યુવતીને તાત્કાલિક ડભાસા ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આજે હોશમાં આવ્યા બાદ પોલીસ દ્વારા બંનેના નિવેદન લેવામાં આવશે.
મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામે આવેલી બીડીઆર લાઇફ સાયન્સીસ પ્રા.લી કંપનીના ક્વોલિટી કન્ટ્રોલ વિભાગના સિનીયર ઓફિસર પૃથ્વીરાજસિંહ અરવિંદસિંહ બારડે પાદરા પોલીસને જણાવ્યું હતું કે, સોમવારે તેઓ કંપની પર હતા અને સાંજે 6 વાગે તેઓ તેમની ઓફિસમાં બેસી અન્ય કર્મચારીઓ સાથે નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન ક્વોલીટી કન્ટ્રોલ ઓફિસની સામે આવેલ ક્યુસી માઇક્રો સ્ટોરનો દરવાજો જોર જોરથી કોઇએ ખખડાવ્યો હોય તેવો અવાજ આવ્યો હતો. જેથી કર્મચારીઓ સાથે માઇક્રો સ્ટોરના દરવાજા પાસે ગયા હતા.
બેંચ આડી મુકેલી હોવાથી તેઓ બેંચ આગળ જતાં તે સમયે જ માઇક્રો સ્ટોરનો દરવાજો ખોલીને સુવર્ણાબેન પ્રશાંતભાઇ ડોરીક બહાર આવ્યા હતા અને તેમના ગળા પર તેમણે હાથ મૂકેલો હતો અને તેમના ગળામાંથી લોહી નિકળતું હતું. તે દરવાજો ખોલીને બહાર આવ્યા બાદ નીચે ઢળી પડયા હતા.
જેથી સિક્યુરિટીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત સુવર્ણાબેનને નજીકથી જોવા જતાં માઇક્રો સ્ટોરનો દરવાજો ખુલ્લો હોવાથી સ્ટોરની અંદર લેબ બોય અશ્વિન રાજેશ પરમાર પણ લોહીલુહાણ હાલતમાં બેભાન હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. જેથી બંનેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળ્યું છે કે, બંનેને માત્ર ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા પણ શરીર પર અન્ય ભાગોમાં કોઇ ઇજા જોવા મળી ન હતી. જેથી ઘટના કઇ રીતે બની તે વિશે ભારે સસ્પેન્સ જોવા મળ્યું હતું. બંને મંગળવારે પણ બેભાન હાલતમાં હોવાથી રુમમાં શું બન્યું તે અન્ગેવ કઈ જાણવા મળ્યું નથી. બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી કે પછી જાતે તિક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા કે પછી કોઇ વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરવામાં આવી છે.
આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે, ડોગ સ્કવોર્ડ, ફીંગર પ્રીન્ટ એકસપર્ટ અને એફએસએલની મદદથી સમગ્ર ઘટનાની તપાસ શરુ કરવામાં આવી છે. બંને જણા ભાનમાં આવે ત્યારબાદ જ હકીકત જાણવા મળી શકે છે તેમ પોલીસે જણાવ્યું હતું. બુધવારે પણ બંને ભાનમાં આવે ત્યારે બોલી શકે છે કે કેમ તે અંગે તબીબી અભિપ્રાય લેવાશે. આ ઉપરાંત જરૂર પડ્યે લેખિત નિવેદન લેવાય તેવી પણ શકયતા છે.
આ અંગે પાદરા પોલીસે જણાવ્યું હતું કે, 28 વર્ષીય યુવતી સુવર્ણાબેન પરિણીત છે અને તે વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહે છે. તેઓ તાજેતરમાં જ મેટરનિટી લીવ ઉપરથી પરત ફર્યા હતા. તે માઇક્રો બાયોલોજીસ્ટ થયેલી છે. તેનો પતિ હાલોલ ખાતેના યુનિટમાં કામ કરે છે. ઉપરાંત અશ્વિન કોન્ટ્રાક્ટમાં લેબ બોય તરીકે નોકરી કરે છે અને તે અપરિણીત છે. અને તે જાસપુર દાજીપુરાનો વતની છે.
પોલીસ દ્વારા કંપનીના તમામ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ કોઈ નક્કર કડી મળી શકી ન હતી. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, કંપનીનો ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ પ્રોહિબિટેડ છે. આ ડિપાર્ટમેન્ટમાં પરમિશન વગર કોઇ જઇ શકતું નથી. આ દરમિયાન અંદર કોણ ગયું તે તપાસનો વિષય છે. બંને વચ્ચે કોઇ મુદ્દે બોલાચાલી થઇ હતી કે, પછી બંનેને કઇ રીતે ઇજા થઇ હતી તેની તપાસ ચાલી રહી છે. બંનેના પરિવારની પણ પૂછપરછ કરવામાં અવી હતી, પણ પોલીસને કોઇ કડી મળી શકી ન હતી.
પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ પરિવાર પણ આઘાતમાં સરી પડયો છે. ભાનમાં આવ્યા બાદ આજે બંનેના નિવેદન પણ લેવામાં આવશે. પોલીસ દ્વારા તપાસ કરતાં જે સ્થળે બંને લોહિલુહાણ હાલતમાં મળ્યા હતા તે રુમમાંથી ચાકુ પણ મળી આવ્યું હતું. આ ઉપરાંત લોક થયેલો મોબાઇલ ફોન પણ મળ્યો હતો. આ ફોનને અનલોક કરાવી કોની સાથે છેલ્લી વાતચીત થયેલી હતી તે સહિતના મુદ્દા પર પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.