ગુજરાતમાં પનીર અને કપાસીયા તેલ ખાતા હોય તો સાવધાન; 3900 કિલોનો ઝડપાયો નકલી જથ્થો

Gujarat Fake Ghee: મહેસાણા જિલ્લા ફૂડ વિભાગે મંગળવારે કડીના કલ્યાણપુરા રોડ સ્થિત નરસિંહપુરા ગામની સીમમાં રાધે હોટલની પાછળ આવેલ કેશવી ફૂડ પ્રોડક્ટ્સમાંથી (Gujarat Fake Ghee) ભેળસેળયુક્ત પનીર તેમજ કડીની ધરતી ઈન્ડસ્ટ્રીઝમાંથી ભેળસેળયુક્ત કપાસિયા તેલ મળી રૂ.7.80 લાખનો શંકાસ્પદ જંગી જથ્થો જપ્ત કર્યો હતો.કડી વિસ્તારમાં ભેળસેળયુક્ત ઘી, પનીર અને તેલનો ધૂમ વેપાર થઇ રહ્યો છે, ત્યારે ફૂડ વિભાગના વધુ અેક દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

ભેળસેળવાળું તેલ અને પનીર મળી આવતા ખળભળાટ
મે.કેશવી ફૂડ પ્રોડક્ટસ પેઢીમાં તપાસ દરમિયાન ફૂડ પરવાનો મેળવ્યા વગર એડીબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન કરાતું હોવાનુ સ્થળ પર જણાઈ આવ્યું હતું અને પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીરનો નમૂનો લઇ રૂ.5.50 લાખની કિંમતનો 2300 કિલોગ્રામ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે કડીની મે.ધરતી ઈન્ડસ્ટ્રીઝમાં તેલમાં ભેળસેળની બાતમીના આધારે ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી.

સેમ્પલને તપાસ અર્થે મોકલ્યા
તપાસમાં કપાસિયા તેલમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે કપાસિયા તેલનો નમૂનો લઈ રૂ.2.30 લાખનો 1600 કિલોગ્રામ જથ્થો વિશાળ જનઆરોગ્યના હિતમાં જપ્ત કરાયો હતો. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસાર આગળની કાર્યવાહી કરાશે.

240 રૂપિયાનું કિલોના ભાવે આ પનીર કલોલ, છત્રાલ,અમદાવાદ હાઇવેની હોટેલમાં જાય છે, પનીરનો શંકાસ્પદ જથ્થો વિરમગાની ઝમઝમ રેસ્ટોરન્ટ અને હોટલ સહયોગમાં, કલોલની મુસાફિર રેસ્ટોરન્ટમાં, છત્રાલની આઈ ખોડલ ઢાબા, હોટલ અમીરસ અને ⁠હોટલ સત્કાર તેમજ અમદાવાદ આસપાસની હોટેલોમાં રૂ.240ના પ્રતિ કિલોના દરે વેચાતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.