ટી.કે અરુણઃ મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચનઃ જો નરેન્દ્ર મોદી આ વખતે નહિ ચૂંટાય તો શું થશે? A. આભ તૂટી પડશે. B. અર્થવ્યવસ્થા ભાંગી પડશે. C. એક પછી એક આતંકવાદી હુમલા થશે. D. આર્મી લડવાની સંકલ્પશક્તિ ગુમાવી દેશે અને E. ઉપર જણાવેલ બધાં જ. જો તમે E પસંદ કર્યો તો તમે એ પ્રકારના વ્યક્તિ છો જે કોઈ મિત્ર ભાજપ સિવાય બીજી પાર્ટીને વોટ આપવા કહે તો તરત જ સવાલ પૂછો છોઃ મોદી નહિ તો પછી કોણ? જો આવું માનતા હોવ તો વાસ્તવિકતામાં તમારુ સ્વાગત છે. કોઈ પોતાની પ્રોડક્ટ વેચવા જે દાવા કરી લે તેને સાચા માની લો કે પછી દુનિયાને બચાવવા નીકળેલા સુપરહીરોને સાચા માની લો. આવામાં સામાન્ય માણસે સાઈડમાં ઊભા રહીને તાળી પાડવા સિવાય ખાસ કંઈ કરવા જેવું રહેતું નથી.
મોદીની નેતૃત્વની સ્ટાઈલ એવી છે કે તે ખૂબ જ મજબૂત અને હિંમતવાન નેતા તરીકે ઊભરી આવે છે. પરંતુ તેમનું પરફોર્મન્સ તેમની છબિથી વિરુદ્ધ સાવ નબળુ છે. તેમણે ભૂમિ અધિગ્રહણ અને મજૂરો માટેના કાયદામાં જે સુધારા કર્યા છે તે દર્શાવે છે કે આ ગરીબોની નહિ, સૂટ બૂટની સરકાર છે. આર્થિક ક્ષેત્રે મોદીએ બે નવા પરિવર્તન આણ્યા. પહેલું, તેમણે કોલસામાં સરકારની મોનોપોલી હટાવી. બીજુ, તે નાદારી માટે ઈન્સોલ્વન્સી અને બેન્કરપ્ટ્સી કોડ લાવ્યા. બાકી તેમણે જે સ્કીમો લોન્ચ કરી તે જૂની વસ્તુ નવા પેકેટમાં પધરાવા જેવી વાત છે. તેમણે યુપીએ સરકારની સ્કીમોને રિબ્રાન્ડ કરીને લોન્ચ કરી. તેમાં જીએસટીનો પણ સમાવેશ થાય છે.
કોલસામાં સરકારની મોનોપોલી 2015માં જ હટાવી દેવાઈ હતી. ભારત આખા વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં થર્મલ કોલસો ડિપોઝિટ કરતો દેશ છે. પરંતુ આ બાબત સરકારની માલિકીની કોલ ઈન્ડિયાની નિષ્ફળતા સૂચવે છે. તે દર્શાવે છે કે દેશ અત્યાર સુધી કોલસાની આયાત કરતો હતો જેને કારણે દેશની વિદેશી ખાધમાં અબજો ડોલરની વૃદ્ધિ થઈ ગઈ હતી. વળી, ટ્રાન્સપોર્ટેશનનો પણ મોટો ખર્ચો આવતો હતો જેને કારણે કોલસાની કિંમત ઊંચી જતી હતી. ચાર વર્ષ બાદ મોદી સરકાર દેશના કોલસાને પ્રોફેશનલ માઈનિંગ માટે ખુલ્લો નથી મૂકી શકી. કારણ કે મોદી કોલ ઈન્ડિયાના યુનિયન સામે બાથ ભીડવાની ઈચ્છાશક્તિ નથી ધરાવતા.
તેની અત્યારે પાવર સેક્ટર પર શું અસર પડી છે તે પણ વાંચી લો. દેશની વીજ ઉત્પાદન ક્ષમતા 350,000 MW છે. પરંતુ ઉનાળામાં જ્યારે બ્લેકઆઉટ થાય છે ત્યારે તેની ક્ષમતા ઘટીને 160,000 MW થઈ જાય છે. આનું કારણ એ છે કે સરકારની યુટિલીટી પાસે જનરેટર પાસેથી જે વીજળી ખરીદવા માટે પૈસા જ નથી. આ રાજકીય સમસ્યા છે. આ યુટિલીટી એટલા માટે કંગાળ છે કારણ કે રાજકારણીઓ માને છે કે તેમણે વીજળી ફ્રીમાં આપવી પડશે અને તે મોટા પાયે વીજચોરીને પ્રોત્સાહન આપે છે. હિંમત કોને કહેવાય? લોકોને કહેવું પડે કે તેમણે વીજળી માટે પૈસા આપવા પડશે.
એક અંદાજ મુજબ 30થી 40 ટકા વીજળીના પૈસા ચૂકવાતા જ નથી. શું 40 ટકા માલના પૈસા ન મળે તો કોઈ બિઝનેસ ટકી શકે? તેનું પરિણામ એવું છે કે ભારતમાં માથા દીઠ વીજવપરાશ ઓછો છે, વીજ ઉત્પાદન ક્ષમતા સરપ્લસ હોવાનું દેખાય તો છે પણ હકીકત એ છે કે ટિયર 2 શહેર પણ વીજળીની માંગને પહોંચી વળવા દિવસના 12 કલાક ડીઝલ જનરેટર ચલાવવા પડે છે. દેશના 34 જેટલા પાવર પ્લાન્ટ પર 1.80 લાખ કરોડનું દેવું છે અને આ ભારણ બેડ લોન સ્વરૂપે દેશની બેન્કો પર આવી રહ્યું છે. આ કોઈ કુદરતનો પ્રકોપ નથી પરંતુ રાજકીય ઈચ્છાનો અભાવ છે.
તો તમે શું જોઈને કહી શકો કે મોદી એક હિંમતવાન નેતા છે? તેમણે પહેલા કોંગ્રેસની રોજગારની યોજનાને કોંગ્રેસની સૌથી મોટી નિષ્ફળતા ગણાવી ટીકા કરી, પછી એ જ યોજનામાં ભાજપ સરકારે સારુ રિઝલ્ટ આપ્યું હોવા માટે ક્રેડિટ લઈ લીધી.બીજી સરકારની યોજનાઓનું ફરી બ્રાન્ડિંગ કરી લોન્ચ કરવામાં શું નવાઈ છે? ખેડૂતોને માફી જાહેર કરવી નવી વાત છે? ભાગેડુઓને પાછા લઈ આવવા કંઈ મોટી વાત છે? જુગારમાં દાવ રમવો એ હિંમત ન કહી શકાય. નોટબંધી એક જુગાર હતો અને લોકો એ કડવો ઘૂંટ એટલે પી ગયા કે તેમને આશા હતી કે ખોટો રૂપિયો જમા કરનારા હેરાન થશે. પરંતુ એવું કંઈ થયું નથી. હવે રોકડની થોકડી લઈને બેસી ગયેલા બધા જ ચોર નોટબંધીની મજાક ઊડાવે છે. બાલાકોટ પણ આવો જ એક જુગાર હતો જેમાં સરકાર સફળ ગઈ અને પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપતું હોવાનું વૈશ્વિક સ્તરે સાબિત પણ થઈ ગયું. ડોકલામમાં સરકારે જે કર્યું તે ખરેખર દાદ માંગી લે તેવું હતું. પરંતુ તેમાં રિસ્પોન્સની ખાસ તક ન મળી.
જણાવી દઈએ કે ભારતમાં મોદી અગાઉના નેતાઓએ ભારત હાલ કરતા નબળી સ્થિતિમાં હતો ત્યારે પણ ઘણી હિંમત દર્શાવી હતી. લોકશાહીની મજા જ એ છે કે કોઈપણ નેતા ગમે ત્યારે ચમકી શકે છે. કોઈને આશા પણ નહતી કે શાસ્ત્રી કે ગૂંગી ગુડિયા (ઈન્દિરા ગાંધી) આટલા પાવરફૂલ નેતા બનશે. ભારતને ડેમોક્રસીની જરૂર છે, ફરિશ્તાની નહિ. મોદી લોકશાહી માટે હાનિકારક છે, તેને મજબૂત બનાવે તેવા નથી.