Jennifer Mistry Bansiwal, Asit Modi: ટીવી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે (Jennifer Mistry Bansiwal) જાહેરાત કરી હતી કે તે સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી રહી છે. આ સાથે તેણે શોના નિર્માતા અસિત મોદી અને અન્ય લોકો પર માનસિક અને જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે અસિત મોદીનું નિવેદન સામે આવ્યું છે. તેણે જેનિફરના આરોપોને સદંતર ફગાવી દીધા છે.
આસિત મોદી અને ટીમે કહ્યું…
અસિત મોદી અને તેમની ટીમનું કહેવું છે કે જેનિફર સેટ પર અનુશાસન સાથે રહેતી ન હતી. તે પોતાના કામ પર ધ્યાન આપતી ન હતી. તે રોજ પ્રોડક્શનમાં ફરિયાદ કરતી હતી. તેના છેલ્લા દિવસે તેણે સેટ પર બધાની સામે લોકો સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. આ પછી અસિતે કહ્યું કે જેનિફર દ્વારા તેના પર લગાવવામાં આવેલા શોષણના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે.
શોની ડાયરેક્શન ટીમ હર્ષદ જોશી, ઋષિ દવે અને અરમાન કહે છે, ‘તે સેટ પર શિસ્ત સાથે રહેતી નહોતી અને તેનું કામ પર પણ ધ્યાન નહોતું. રોજેરોજ તેના વર્તનની ફરિયાદ પ્રોડક્શન હેડને કરવામાં આવતી હતી. તેણીના છેલ્લા દિવસે, તેણીએ બધાની સામે સમગ્ર યુનિટ સાથે દુર્વ્યવહાર કર્યો અને શૂટ પૂર્ણ કર્યા વિના સેટ છોડીને ચાલી ગઈ હતી.’
પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને જતીન બજાજે કહ્યું, ‘તે રોજેરોજ આખી ટીમ સાથે ખરાબ વર્તન કરતી હતી. જ્યારે તે શૂટમાંથી જઈ રહી હતી, ત્યારે બેફામ રીતે કાર હંકારી હતી. સાથે તેણે સેટની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અમારે તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવો પડ્યો કારણ કે શૂટિંગ દરમિયાન તેનું વર્તન ખૂબ જ ખરાબ હતું. આ ઘટના સમયે અસિતજી અમેરિકામાં હતા. તે અમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે અને અમારા પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. અમે આ આરોપો સામે અમારી ફરિયાદ નોંધાવી ચૂક્યા છીએ.
નિર્માતા અસિત મોદીએ કહ્યું, ‘અમે આ મામલે કાયદાની મદદ લઈશું કારણ કે તે અમને અને અમારા શોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે તેને શોમાંથી બહારનો દરવાજો બતાવી દીધો છે, તેથી તે અમારા પર પાયાવિહોણા અને ખોટા આરોપો લગાવી રહી છે.
અસિત મોદીએ માનસિક, શારીરિક ઉત્પીડનનો પ્રયાસ કર્યો, જેનિફરે લગાવ્યા મોટા આરોપ
જેનિફરે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેણે નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે. તેણે કહ્યું કે અસિતના સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજે પણ તેની સાથે ગેરવર્તણૂક કરી. અભિનેત્રીના કહેવા પ્રમાણે, આ ઘટના હોળીની છે.
જેનિફર મિસ્ત્રી બંસીવાલે કહ્યું, ‘શરૂઆતથી જ આસિતજી ઘણી વાર કહેતા હતા, તું ખૂબ જ સુંદર દેખાય છે. તેણે મને એકવાર પૂછ્યું કે તું શું પીવે છે? મેં હિંમતથી કહ્યું ‘વ્હિસ્કી’. આ પછી તેણે વારંવાર મને વ્હિસ્કી પીવા માટે કહ્યું. પરંતુ 2019માં અમારી આખી ટીમ સિંગાપોર ગઈ હતી. ત્યાં અસિત મોદીએ 8 માર્ચે મને કહ્યું – મારા રૂમમાં આવીને વ્હિસ્કી પી. તેની આ વાત સાંભળીને મને આશ્ચર્ય થયું. પછી એક દિવસ તેણે કહ્યું – તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. મને પકડીને ચુંબન કરવાનું મન થાય છે. તેમની આ વાત સાંભળીને હું ધ્રૂજવા લાગી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.