Siddhanath Mahadev Temple: નર્મદા નદી કિનારે હજારો શિવ મંદિર આવેલા છે જેમાંનું એક ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કાંઠે અંકલેશ્વરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલ સજોદ ગામમાં પૌરાણિક સિદ્ધરુદ્ર( સિદ્ધનાથ ) મહાદેવ મંદિર આવેલું છે. આ શિવ મંદિરનું (Siddhanath Mahadev Temple) અનેરું મહત્વ રહેલું છે. વાયુ પુરાણ રેવાખંડ 168માં જણાવ્યા પ્રમાણે ભગવાન શિવજીએ વેદપતિ બ્રહ્માજીનું મસ્તક વીધ્યું હતું જે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા શિવજી ભ્રમણ પર નીકળ્યા હતાં. ત્યારે નર્મદા તટે સજોદ ગામે આવી બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થયાં હતાં તેવી માન્યતા છે.
રુદ્ર કુંડની સ્થાપના
ભગવાન શિવજીએ વેદપતિ બ્રહ્માજીનું મસ્તક છેદન કર્યું તેના બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા ભ્રમણ પર નીકળ્યા હતાં ત્યારે નર્મદા તટે ગયાં. ભગવાન શિવે હજારો દેવો, ગાંધર્વો, સિદ્ધોની ઉપસ્થિતિમાં એક કુંડની સ્થાપના કરી પવિત્ર નર્મદા નદીનું જળ લાવી કુંડને ભરવામાં આવ્યો હતો. દેવોએ શિવજીની પૂજા કરી સ્નાન કરાવ્યું હતું. આ સ્થળે શિવજીએ ધૂર્જટીની સ્થાપના કરી અને દેવોને તેમજ તીર્થને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયાં હતાં.
ચર્મ રોગોથી મુક્તિ મળતી હોવાની માન્યતા
ભગવાન શિવે જે કુંડની સ્થાપના કરી હતી બાદમાં તે રુદ્રકુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગોથી મુક્તિ મળતી હોવાની માન્યતા છે. જ્યારે મહંમદ ગઝનીએ આ મંદિર પર ચઢાઈ કરી હતી તે સમયે ઝેરી ભમરાના ઝુંડ નીકળતા મોગલોએ ભાગવું પડ્યું હતું. જે પણ હાથ લાગ્યું મોગલો લૂંટ ચલાવી નાસી ગયા હતાં. મહંમદ ગઝનીએ શિવલિંગ અને નંદી પર તલવારના ઘા કર્યા હતાં તે આજે પણ જોવા મળે છે.
અઢીસો વર્ષ પહેલાં ગામવાસીઓએ નવું મંદિર બંધાવ્યું
મહંમદ ગઝનીના હુમલા બાદ ખંડિત થયેલ રુદ્રકુંડના ઉપરના ભાગે 250 વર્ષ પહેલા સજોદવાસીઓએ નવા મંદિરની સ્થાપના કરી હતી. ભગવાન સિદ્ધનાથ મહાદેવની સ્થાપના કરી હતી આ મંદિર ખાતે અન્ય દેવી દેવતાઓના પણ મંદિરો છે.
બ્રહ્મ હત્યાનું પાપ નષ્ટ થાય તેવી માન્યતા
આ પૌરાણિક સિદ્ધરુદ્ર ( સિદ્ધનાથ ) મહાદેવ મંદિર ભરૂચ જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં શિવ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. આ મંદિરે દૂર દૂરથી ભક્તો આવી કુંડમાં સ્નાન કરી શિવજી તેઓની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરે છે અને અનેક લોકોની મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતા છે. જેથી આ મંદિરે હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે. શિવરાત્રી તેમજ શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ સ્થળે સ્વયંભુ સિદ્ધરુદ્ર (સિદ્ધનાથ ) સ્થિત રુદ્રકુંડમાં સ્નાન કરી મહાદેવની પૂજા કરે તો બ્રહ્મ હત્યાનું પાપ નષ્ટ થાય તેવી પણ માન્યતા છે. કુંડની બાજુમાં સિદ્ધનાથ મહાદેવનું શિવાલય આવેલ છે તો કુંડની બાજુમાં જ રુદ્રેશ્વર મહાદેવનું શિવલિંગ છે.
શિવજી શા માટે ક્રોધિત થયાં હતાં
બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા કોણ મોટું તે વિવાદ અંગેનો નિકાલ કરવા માટે ભગવાન શિવ દ્વારા તેઓને શિવલિંગના અંત અને મસ્તક સુધી પહોંચીને પૂજા કરવા માટે જણાવાયું હતું. ત્યારબાદ બ્રહ્માજીએ પરત આવીને જણાવેલું કે પ્રભુ હું તમારા મસ્તકની પૂજા કરીને આવેલ છું તેમ જૂઠૂં બોલેલા જ્યારે વિષ્ણુ ભગવાને આવીને કહેલ કે પ્રભુ તમારો અંત મને હજી સુધી મળ્યો નથી. આમ બ્રહ્માજીના જુઠૂં બોલવાથી ભગવાન શિવ ક્રોધિત થયાં હતાં અને ત્યારબાદ બ્રહ્માજીનું એક મસ્તક છેદી નાખેલું અને આમ તેઓને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. આ બ્રહ્મ હત્યા પાપ નિવારણ માટે ભગવાન શિવ દ્વારા અહીંયા આવીને દેવો અને ગાંધર્વો દ્વારા રુદ્ર કુંડને મંત્રોચ્ચારથી ઉત્પન્ન કરવામાં આવેલ અને આમ અહીંયા ભગવાન શિવજીનું બ્રહ્મહત્યાનું પાપ દૂર થયેલ તેવી કથા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App