સુરત(ગુજરાત): જેના દર્શન માત્રથી પાપમુક્ત થઈ શકાય એ તાપી નદીનો આજે જન્મદિવસ છે. આ દરમિયાન, સુરત કોઝવે પર હરિઓમ ગ્રુપ દ્વારા આયોજિત તાપી માતાના જન્મદિવસની દૂધ અભિષેક અને તાપી સ્નાન કરી ઉજવણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, તાપી માતાને 600 મીટર લાંબી ચૂંદડી પણ ચડાવવામાં આવી હતી. 2 વર્ષથી લઈ 78 વર્ષ સુધીના સ્વિમર મહિલા દ્વારા તાપી માતાનાં દર્શન કરી બાળકોને સ્વિમિંગના દાવપેચ શીખવવામાં આવ્યા હતા. લગભગ હરિઓમ ગ્રુપના 300થી વધુ સભ્યોએ આજે કોઝવે પર તાપી માતાની જન્મ મહોત્સવમાં હાજરી આપી હતી.
આ અંગે ધર્મેશ ઝવેરી (સ્વિમર કમ હરિઓમ ગ્રુપના સભ્ય)એ જણાવ્યું હતું કે, તાપી પુરાણમાં ઉલ્લેખિત 2 કલ્પ પછી પૃથ્વી પરનો અંધકાર દૂર કરવા બ્રહ્માની સ્મૃતિ પછી સૂર્યનારાયણે પ્રસરાવેલા તેજનો પ્રકોપ પૃથ્વીના જીવોથી સહન ન થતાં ભગવાનની આંખોમાંથી આંસુ વહેતાં થયાં, જે તાપીમૈયા સ્વરૂપે વહેતાં થયાં હતાં. પુણ્યસલિલા તાપીના કિનારે પુરાણકાળથી સ્થિત સુરતની ‘સૂરત’ અને વિસ્તાર વિસ્તરતા રહ્યા છે. સુરતની જાહોજલાલી તાપીમૈયાને કારણે હોવાનું કહી શકાય છે. તાપીની પૂજા-અર્ચના સાથે તેનું જતન વર્તમાનની આવશ્યક્તા બન્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે તાપી માતાના જન્મદિવસના અવસરે તાપીના પાણીમાં 600 મીટરની ચૂંદડી તરતી મૂકવાની પરંપરાગત પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આરતી પણ કરવામાં આવે છે. ત્યારબાદ નાસ્તા-પાણીની મોજ માણવામાં આવે છે. જાણવા મળ્યું છે કે, સ્વિમરો આજના શુભ પ્રસંગે તાપીમાં સ્વિમિંગ કરી પુણ્ય પ્રાપ્ત કરતા હોય છે અને બસ, તાપી માતાને દરેક દેશવાસીઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને મહામારીમાંથી દેશ જલ્દી બહાર આવે એવી પ્રાર્થના કરી તેઓ છૂટા પડતા હોય છે.
તેમણે જણાવ્યું હતું કે, તાપી કાંઠે પ્રસરેલી સભ્યતા અને સંસ્કૃતિની જાળવણી પ્રત્યેક નાગરિકની ફરજ બની છે. ઘણા વર્ષોથી હરિઓમ ગ્રુપ તાપી માતાની સાલગીરી મહોત્સવ ઊજવતું આવ્યું છે. આજના આ શુભ પ્રસંગે લગભગ તમામ સ્વિમરો પોતાના પરિવાર સાથે કોઝવે પર આવતા હોય છે અને તાપી માતાનાં દર્શન કરી દૂધ અભિષેક સાથે તાપીમાં સ્નાન કરતા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, પણ આજના આ શુભ પ્રસંગે વડીલો શંખ વગાડી માતાની આરાધના પણ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.