સતત આબોહવાકીય પરિવર્તનને પગલે ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદ પડવાનું ચાલું છે. જેને પગલે ઉકાઈ ડેમમાં એકાએક પાણીની આવક વધી જતાં ડેમના 12 ગેટ ખોલીને 93 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું રખાયું હતું. જોકે રવિવારે બપોર સુધી તે ઘટીને 80 હજાર ક્યૂસેક જેટલું કરાયું હતું. ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદને પગલે નદી-નાળા ભરાઈ ગયા છે.
હાલ અરબ સાગરમાં એક પછી એક બે વાવાઝોડાની અસરને પગલે દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. જેને કારણે ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વીતેલા 24 કલાકમાં ઉપરવાસમાં પડેલા વરસાદની અસર ઉકાઈ ડેમની આવકમાં દેખાઈ હતી.
ઉકાઈ ડેમમાં શનિવારે સવારે 40 હજાર ક્યુસેક પાણીની આવકની સામે 92 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. બપોર સુધી ડેમની સપાટી 344.88 ફુટે પહોંચી હતી. બપોરે ડેમમાં પાણીની આવક વધીને 1.45 લાખ ક્યુસેકે પહોંચતા ડેમમાંથી 93 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું રખાયું હતું. ડેમના 8 ગેટ ત્રણ ફુટ અને 4 ગેટ સાડાત્રણ ફુટ ખોલી દેવાયા હતા. જ્યારે રવિવારે પણ આવક ચાલું રહેતા સતત પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે ફરી તાપી બે કાંઠે થઈ છે.
બીજી તરફ હથનુર ડેમમાંથી છોડવામાં આવતા પાણી ઉકાઈ ડેમમાં ઠલવાઈ રહ્યું છે. રવિવારે સવારે ઉકાઇ ડેમની સપાટી 345 ફુટ નોંધાઈ હતી. જ્યારે ઈનફ્લો અને આઉટફ્લો એક સરખો એટલે કે 80 હજાર ક્યુસેક રહ્યો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસમાં આવેલા બારડોલી હરિપુરા કોઝવે 17મી વાર પાણીમાં ગરક થયો છે. જેથી 10 જેટલા ગામોને તેની અસર પહોંચી છે. જ્યારે સુરતનો કતારગામ અને રાંદેરને જોડતો કોઝવે છેલ્લા બે મહિનાથી બંધ છે.