‘ચા’ ના રસિયાઓ માટે માઠા સમાચાર: ચાની ચુસ્કી હવે થઈ મોંઘી, જાણો આટલાં રૂપિયાનો થયો ધરખમ વધારો

Tea Price Hike: ગુજરાતમાં મહેમાનના સત્કાર કે મિત્રોની મુલાકાતમાં કે સુસ્તી દૂર કરવા છૂટથી પીવાતી ચાને પણ મોંઘવારી સ્પર્શી ગઈ છે. ચાની ભુકી કે પાવડરમાં પ્રતિ કિલોએ રૂ।. 40થી 50 એટલે કે સરેરાશ 15 ટકાનો ભાવ દિવાળી પહેલા જ અમલી કરી દેવાયો છે. સૂત્રો અનુસાર ગુજરાતમાં (Tea Price Hike) આસામ અને પશ્ચિમ બંગાળમાં ઉત્પાદિત ચા જ પીવાય છે, દક્ષિણ ભારતની ચા બહુ ઓછી ખપે છે અને આ વર્ષે આસામ સહિત રાજ્યોમાં ક્લાઈમેટ કથળતા વરસાદ વરસ્યો ત્યારે અતિ ભારે વરસાદ અને સાથે સામાન્ય કરતા ઘણી વધુ ગરમી રહેતા ચાના પાકને માઠી અસર થઈ છે.

સૌથી વધુ પીવાતી ચા હવે મોંઘી ડાટ થઇ ગઇ
ભારતના ટી બોર્ડના સભ્યએ જણાવ્યું કે ગત વર્ષે ઈ.સ. 2023માં ઓગષ્ટ માસ સુધીમાં 822.48 મિલિયન કિલોગ્રામ (એટલે કે 82.248 કરોડ કિલો ગ્રામ) ચાનું ઉત્પાદન થયું હતું, તે પહેલાના વર્ષે પણ આ સમયગાળામાં 807.50 મિલિયન કિલોગ્રામનું ઉત્પાદન સામે ચાલુ વર્ષ ઈ.સ. 2024માં ઓગષ્ટ સુધીમાં ઉત્પાદન ઘટીને 734.54 મિ.કિલો એટલે કે 73.54 કરોડ કિલોગ્રામ થયું છે.

ચાના ભાવમાં 50 ટકાનો વધારો
તેમણે ઉમેર્યું કે ઉત્પાદન ઘટવાનું કારણ પ્રતિકૂળ હવામાન છે. આના કારણે બ્રાન્ડેડ ચાના ભાવ જે અગાઉ રૂ।. 350થી 500 પ્રતિ કિલો હતા તે હવે રૂ।. 450થી 600 થયા છે. સામાન્ય ચા જે અગાઉ રૂ।. 250થી 300ના કિલો લેખે વેચાતી તેના ભાવ રૂ।. 300થી 450સુધી પહોંચ્યા છે. તેમણે ઉમેર્યું કે વ્યક્તિદીઠ દર વર્ષે 836 ગ્રામ ચાના વપરાશ થાય છે. આમ તો ભારત વર્ષોથી ચા ઉત્પાદનમાં અગ્રેસર છે અને પચીસેક દેશોમાં નિકાસ કરે છે પરંતુ, આ વર્ષે નિકાસને પણ અસર થવા સંભવ છે.

સૌથી વધુ ચા પીતા રાજ્યોમાં ગુજરાત અગ્રક્રમે
બીજી તરફ, ટી બોર્ડ ઓફ ઈન્ડિયાના આંકડા મૂજબ ભારતમાં ઈ.સ. 2020-21માં 12830 લાખ કિલો, ઈ.સ. 2021- 22માં 13.440 લાખ કિલો અને ઈ.સ. 2022-23 માં વધીને છ વર્ષનું સર્વાધિક 13750 લાખ કિલો ચાનું ઉત્પાદન થયું હતું. પરંતુ, આ વર્ષે વિપરીત હવામાનથી ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી વધુ ચા પીતા રાજ્યોમાં ગુજરાત અગ્રક્રમે છે. રાજકોટમાં અંદાજે વર્ષે 1500 ટન ચા પીવાય છે. ચા પીતા લોકો ઉપર વર્ષે રૂ।.6થી 7 કરોડનો બોજ વધ્યો છે.