કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત: જાણો આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?

Gujarat Forecast: દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે ગુજરાતમાં તો ફેબ્રુઆરી મહિનામાં જ એપ્રિલ મહિના જેવી ગરમીનો અનુભવ (Gujarat Forecast) થઈ રહ્યો છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત, કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે.

આ તમામ દરિયાકાંઠે હિટ વેવ આવવાની પણ આશંકા છે. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ભેજવાળું થશે, તેમજ વધુ પડતી ગરમીનો અનુભવ થશે. જેને ધ્યાને લઈ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તોરોમાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતના વિવિધ જિલ્લાનું મહત્તમ તાપમાન
ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહ્યું છે. અમદાવાદમાં 34.9 વડોદરામાં 35 ડાંગમાં 38 રાજકોટમાં 36.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સિવાય દમણ અને સુરતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું, તેમજ ડીસામાં 33.2, નલિયામાં 35.6 ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી 36.2 ડિગ્રી, ભાવનગર 35.4 ડિગ્રી, પોરબંદર 36.5 ડિગ્રી અને મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

48 કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય
અત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આગામી 48 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. ત્યારબાદ એટલે કે બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. બે દિવસ બાદ ઠંડીમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે.