આ વર્ષે ઉનાળો રૌદ્ર સ્વરૂપ દેખાડશે: આ તારીખ બાદ ગુજરાતમાં તાપમાનનો પારો જશે આસમાને, જાણો વિગતે

Gujarat Weather Department: ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે હાલ ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થવાની (Gujarat Weather Department) શક્યતા દર્શાવી નથી. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સાતમી માર્ચ બાદ તાપમાનમાં વધારો નોંધાવવાની આગાહી કરી છે. રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને રાજકોટમાં 35 ડિગ્રીને પાર નોંધાયું છે. ત્યારે આગામી સપ્તાહમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ.

તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતાઓ
હવામાન અંગેની આગાહી પ્રમાણે સોમવાર સુધી મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો અને પછી આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ નથી. શનિવારે જે આગાહી કરવામાં આવી છે તેમાં રાજ્યમાં ત્રણ મહિના દરમિયાન ગરમીનું પ્રમાણ કેવું રહેશે તેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ગરમી વધવાના જે સંકેત આપવામાં આવ્યા છે તેના કારણે આ વર્ષે તાપમાન રેકોર્ડ તોડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે શનિવારે 7 દિવસની આગાહી કરી હતી, તેમાં ગરમી, ઠંડી કે માવઠા અંગેની કોઈ ચેતવણી આપી નથી. પરંતુ આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા કરશે. તેના કારણે વાતાવરણમાં પલટો પણ જોવા મળશે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 7 માર્ચ પહેલાં ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે ઘટેલું રહેશે. 7 માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહેશે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે.

આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 23 માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ધીરે ધીરે ગરમી વધતી જશે. મહત્તમ તાપમાન કેટલાક ભાગોમાં 42 ડિગ્રી અથવા તો તેનાથી વધુ રહેવાની શક્યતાઓ રહેશે. 26 એપ્રિલથી આકરી ગરમી પડવાની શરૂ થઈ જશે. ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી અથવા આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે. એપ્રિલ મહિનામાં પણ વંટોળ અને લૂની શક્યતાઓ રહેશે.

પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાન અંગેની આગાહીમાં જણાવ્યુ છે કે, પવનની સ્પીડ નોર્મલ કરતાં ત્રણ પોઈન્ટ વધારે ચાલી રહી છે. એક અઠવાડિયા માટે પવનની ગતિ આટલી જ રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ શકે છે. એટલે કે પવનની દિશા અને ગતિ નોર્મલ નજીક રહે તેવી શક્યતાઓ છે. તાપમાન અંગે ખેડૂત મિત્રોને સલાહ આપતા તેમણે જણાવ્યુ હતુ કે, તેમણે 15મી માર્ચ સુધી ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ. તેનાથી મોડું વાવેતર કરવું જોઈએ નહીં. હાલ લઘુત્તમ તાપમાન અંગેની વાત કરતા તેમણે જણાવ્યુ છે કે, મહત્તમ તાપમાન થોડું ઊંચુ ગયું હતુ. પરંતુ ફેબ્રુઆરીમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવું અનુભવાયું નથી. માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ ઉનાળાની કોઈ મોટી ઝલક જોવા નહીં મળે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધ્યું છે. આ સપ્તાહમાં ભયંકર ગરમી પડે તેવા કોઈ એંધાણ નથી.