સુરત શહેરના સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલી ટેકસટાઈલ માર્કેટ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મહિધરપુરા હીરા બજાર વિસ્તારને ક્લસ્ટરમાંથી મુક્ત કરવામાં આવી છે. તમામ ઝોનમાં એવા ક્લસ્ટર વિસ્તારોમાં નાના મોટા ફેરફાર કરાયા છે. તેમાં લિંબાયત, સેન્ટ્રલ ઝોનમાં આવતી ટેક્સટાઈલ માર્કેટો અને હીરા બજારોને પણ ક્લસ્ટરમાંથી મુક્તિ મળી છે. તેથી હવે કોવિડ-19 ની ગાઈડલાઈનનું પાલન કરી તમામ વેપારીઓ પોતાનો ધંધો સરળતાથી શરૂ કરી શકશે. જોકે, વેપારીઓએ તકેદારીના નિયમોનું પાલન કરવું પડશે. કોરોના વાયરસની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ લોકોને સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવા, ફરજીયાત માસ્ક પહેરવા તથા સેનીટાઈઝરથી નિયમિત હાથ સાફ કરવા તેમજ કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
વરાછા ઝોનમાં 130 હજાર લોકોને ક્લસ્ટરમાંથી મુક્તિ મળી
લૉકડાઉન 4 નો દેશભરમાં છૂટછાટ સાથે અમલ શરુ થયો છે. સુરતના ક્લસ્ટર અને રેડ ઝોનમાં સમાવિષ્ટ સ્થાનિક લોકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહીતનાની લાંબા સમયથી ચાલી રહેલ રજુઆતો બાદ, મનપાએ જ્યાં કોરોના પોઝિટિવ કેસ ઓછા થયા હોય કે 28 દિવસથી કેસ ન મળ્યા હોય એવા વિસ્તારોને ક્લસ્ટરમાંથી મુક્ત કર્યા છે. કસ્ટરમુક્ત થતા આ વિસ્તારો પોઝિટિવ કેસની હાલની સ્થિતિને આધારે રેડ, ઓરેન્જ કે ગ્રીન ઝોન માં રહેશે. વરાછા A ઝોનમાં 60 હજાર લોકો અને B ઝોનમાં 73 હજાર લોકોને ક્લસ્ટરમાંથી મુક્તિ મળી, પોઝિટિવ કેસ મળશે તો વિસ્તારોને ફરીથી ક્લસ્ટરમાં મૂકી દેવાશે.
17 લાખની વસ્તી પૈકી 4.50 લાખ જેટલી વસ્તી ક્લસ્ટર મુક્ત
સુરત શહેરની ક્લસ્ટર હેઠળ રહેલ અંદાજીત 17 લાખની વસ્તી પૈકી 4.50 લાખ જેટલી વસ્તી ક્લસ્ટર મુક્ત કરી દેવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે અઠવા ઝોનમાં એક જ ક્લસ્ટર હતું જે મુક્ત થઇ જતા અથવા ઝોન સંપૂર્ણ ક્લસ્ટર મુક્ત થયો છે. શહેરના સેન્ટ્રલ ઝોન સ્થિત મહિધરપુરા હીરા બજારને પણ ક્લસ્ટરમાંથી મુક્તિ મળી છે. જયારે આખા શહેરમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટોને પણ ક્લસ્ટરમુક્ત જાહેર કરી ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, વેપારીઓએ તકેદારીના નિયમોનું પાલન કરવું પડશે.
70થી 80 ટકા માર્કેટોમાં સેનેટાઈઝેશન પૂર્ણ
સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વિવિધ માર્કેટોમાં સેનિટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે. 70થી 80 ટકા માર્કેટોમાં સેનેટાઈઝેશન પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે વધુ 40 જેટલી માર્કેટ સેનેટાઈઝ કરાઈ છે. જે અંગે ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, માર્કેટ સેનેટાઈઝ થઈ હોવાનું લિસ્ટ પાલિકાને આપ્યા બાદ માર્કેટ ચાલુ કરવા મુદ્દે શનિવારે મીટિંગ મળશે એવુ સૂચન કરાયું હતું. જેમાં તમામ નિયમો અને શરતોના પાલન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ ધીમે ધીમે સોમવારથી માર્કેટો ઉઘડે તેવા પ્રયત્ન હાથ ધરાશે.
રાંદેર વિસ્તારની 86 હજાર વસ્તી પૈકી 81 હજાર જેટલી વસ્તીને ક્લસ્ટર મુક્તિ
60 દિવસથી ક્લસ્ટરમાં રહેલ રાંદેર વિસ્તારની 86 હજાર વસ્તી પૈકી 81 હજાર જેટલી વસ્તીને ક્લસ્ટર મુક્તિ મળી છે. રાંદેરમાં ઉગત સાઈટ એન્ડ સર્વિસ સ્કીમ, જહાંગીરાબાદ, અને ઈડબલ્યુઆવાસ, સરસ્વતી સ્કૂલ હનીપાર્ક રોના વિસ્તારને પણ ક્લસ્ટરમાંથી મુક્તિ મળી છે. અઠવા ઝોનમાં વેસુ સ્થિત મનપા આવાસ અને પાણીની ટાંકી પાસેના વિસ્તારને ક્લસ્ટર મુક્ત કરાતા અથવા ઝોન સંપૂર્ણ ક્લસ્ટર મુક્ત થયો છે.ઝોનવાઈઝ હયાત વિશાળ ક્લસ્ટર એરિયામાંથી કેટલાક વિસ્તારો કે જ્યાં 28 દિવસથી કેસ આવ્યા ન હતા અથવા તો અગાઉના પ્રમાણમાં કેસ ઘટ્યા હતા તેને ક્લસ્ટરમુક્ત કરાયા છે. જેમાં આંકડાકીય સ્થિતિ જોતા, લીંબાયત ઝોનમાં અગાઉ અંદાજે 3.50 લાખ વસ્તી કલસ્ટર હેઠળ હતી, જેમાંથી 28 હજાર જેટલી વસ્તીને ક્લસ્ટર મુક્ત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news